બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ બનાસકાંઠા :જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી દિવસે ને દિવસે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોને ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને આ વર્ષે સારી સીઝનના વિશ્વાસે ખેતી કરી હતી. પરંતુ જે પ્રમાણે સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેથી ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો પાક નષ્ટ થઈ રહ્યો છે. જો હવે થોડા દિવસ વરસાદ ન આવે તો ખેડૂતોનો પાક બચી શકે તેમ છે નહિતર ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો મગફળી શાકભાજી બાજરી સહિતના પાકમાં નુકસાન થઈ રહ્યું છે.
ભારે વરસાદની અતિભારે અસર : બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસથી રાત દિવસ વરસાદ વરસી રહ્યો છે. તેથી જનજીવન પર પણ માઠી અસર પડી છે. જેમાં રોજ મજૂરી કરીને પોતાનું પેટ રળતા પરિવારો પણ અત્યારે વરસાદને કારણે ઘરની બહાર નીકળી શકતા નથી. તે લોકો કામ ધંધો નથી કરી શકતા તેથી તેઓ કમાણી નથી કરી શકતા અને જેના કારણે તેમના ઘરમાં બે ટાઈમનું જમવાનું ક્યાંથી લાવું અને પોતાનુ ગૂજરાત કઈ રીતે ચલાવવું એ પણ એક મોટો પ્રશ્ન બન્યો છે.
મોંઘવારીનો માર : એક બાજુ દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. તો બીજી તરફ વરસાદને કારણે ધંધા રોજગાર પણ ઠપ થયા છે. તેથી મજૂર વર્ગને ખૂબ મોટી મુશ્કેલી છે. સાથે સાથે બજારની અંદર વ્યાપારીઓના ધંધા પર પણ ખૂબ મોટી અસર જોવા મળી રહી છે. અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિની મૂર્તિઓ બજારમાં વેચાવવા માટે આવી હતી. પરંતુ વરસાદી માહોલને લઈને આ તમામ ધંધાઓમાં પણ માઠી અસર જોવા મળી છે.
છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અને અનેક લોકોને મગફળી તથા અન્ય બીજા પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો વરસાદ વધુ આવશે અને વધુ નુકસાન થશે તો અમારા દ્વારા સર્વે કરી સરકારમાં રિપોર્ટ મોકલી આપવામાં આવશે. -- જિલ્લા ખેતીવાડી અધિકારી
પડ્યા પર પાટું :આજે ETV BHARAT દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે જિલ્લાના કેટલાક ખેડૂતોએ ETV BHARAT સાથેની રૂબરૂ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે જેમ તેમ કરી વ્યાજે રૂપિયા લાવીને બટાકાની ખેતી કરી હતી. પરંતુ ત્યારબાદ કમોસમી વરસાદ આવ્યો જેના કારણે બટેકામાં નુકસાન આવ્યું હતું. બટેકાનો ભાવ ન મળતા મફતના ભાવે અમારે બટાકા વેચવા પડ્યા હતા. તેથી અમારે ખાતર બિયારણના પણ રૂપિયા મળ્યા ન હતા. ત્યારબાદ ફરી ચોમાસુ સીઝન આવતા અમે ઓછી પાછીના રૂપિયા કરીને ખાતર બિયારણ લાવીને ફરી ખેતી કરી હતી. અમને આશા હતી કે, આ વર્ષે સારો પાક થશે તેથી જે કોઈના રૂપિયા વ્યાજે લીધેલા છે તેના પૈસા પાછા આપી શકાય છે. પરંતુ અમારી ઉપર જાણે કુદરત રુઠ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ખેડૂતોની માંગ : અમે ખેતી કરી પરંતુ સતત વરસાદ ખેંચાયો જેના કારણે અમારો પાક નિષ્ફળ જઈ રહ્યો હતો. ત્યારબાદ હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત રાત દિવસ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વિરામ નથી લેતો તેથી અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. સતત વરસાદના કારણે અમારે આ ખેતરોમાં વાવેલી મગફળીને નુકસાન થઈ રહ્યું છે. જો હવે ત્રણથી ચાર દિવસ વધુ વરસાદ આવશે તો અમારા ખેતરમાં તૈયાર થયેલી મગફળી પણ ઉગી નીકળશે અને અમને મોટું નુકસાન થશે તેથી અમારી સરકારને નમ્ર વિનંતી છે કે, જો વધારે વરસાદ આવે અને નુકસાન થાય તો તાત્કાલિક ખેડૂતોના ખેતરમાં જઈ સર્વે કરી યોગ્ય સહાય આપે તો ખેડૂત બેઠો થઈ શકે તેમ છે.
- Gujarat Rain News: બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન
- Water problem in Banaskantha : બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં છેલ્લા સાત મહિનાથી લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા