ડુંગળીની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલન પર નિર્ભર જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ પણ દિવસેને દિવસે નીચે જઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ હવે ઓછા સમયમાં અને ઓછા પાણીથી ખેતી કરી રહ્યા છે અને અવનવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે.
આંતર પાક તરીકે લીલી ડુંગળીની ખેતી એક વર્ષમાં ચાર સીઝનનો પાક: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામના યુવા ખેડૂત કનવરજી ઠાકોરે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ લીલી ડુંગળીની ખેતી કરી છે. સામાન્ય રીતે ખેડૂતો ચોમાસુ સિઝનમાં મગફળીની ખેતી કરતા હોય છે અને ત્યારબાદ મગફળીનો પાક લીધા બાદ બટાકાની ખેતી કરવામાં આવે છે. મગફળીનો પાક લીધા બાદ એકથી દોઢ મહિના સુધી આ જમીન પડી રહે છે ત્યારે ખેડૂતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ એકથી દોઢ મહિનો જે જમીન પડી રહે છે તે જમીનમાં લીલી ડુંગળી વાવી છે. જેના થકી એક વર્ષમાં ચાર સીઝનનો પાક લઈને સારી કમાણી કરી રહ્યા છે.
એક વર્ષમાં ત્રણ સિઝનની જગ્યાએ ચાર સિઝનનો પાક " પહેલા અમે ચીલા ચાલુ ખેતી કરતા હતા. જેમાં અમને ઉત્પાદન એટલું મળતું ન હતું અને મોટાભાગે ખેતીમાં નુકસાન આવતું હતું. પરંતુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સાથ સહકાર મળ્યો અને તેમના સહયોગથી અમે ખેતી કરવાનું ચાલુ કર્યું. ત્યારે અમને સારું ઉત્પાદન મળી રહ્યું છે, ખેતીમાં ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે. પહેલા અમે મગફળીનો પાક લીધા બાદ બટાકાનો પાક વાવતા હતા તે દરમિયાન વચ્ચેના સમયગાળા દરમિયાન લીલી ડુંગળીનો પાક વાવ્યો છે. આમ એક વર્ષમાં ત્રણ સિઝનની જગ્યાએ અમે ચાર સિઝનનો પાક લઈએ છીએ." - કનવરજી ઠાકોર, યુવા ખેડૂત
" અમારે પહેલા જમીન પડી રહેતી હતી અને કંઈ અમે એ જમીનમાં વાવતા ન હતા ત્યારે હવે આંતરપાક તરીકે લીલી ડુંગળી વાવીને સારી કમાણી કરી રહ્યા છીએ. ડુંગળીનો પાક વાવવાથી જમીનને પણ ખૂબ મોટો ફાયદો થાય છે. ડુંગળીના જે મૂળ છે તે જમીનમાં રહે છે જેના કારણે જમીન પોચી રહે છે અને સૂક્ષ્મ જીવોનો વધારો થાય છે તેથી જમીન ફળદ્રુપ બને છે." - કનવરજી ઠાકોર, યુવા ખેડૂત
ડુંગળી વાવવાથી જમીનને પણ ખૂબ મોટા ફાયદા " મોટાભાગના ખેડૂતોને ખૂબ ઓછી જમીન હોય છે અને ઓછી જમીનમાંથી વધુ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય તે દિશામાં ખેડૂતો વધુ કામ કરતા હોય છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને મરચાં અને ટેટીનો આંતરપાક હોય કે પછી અન્ય પાકો હોય જેમાં અલગ અલગ પાકોમાં આંતરપાક તરીકે ખેતી કેવી રીતે કરવી તે માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે. હાલમાં ખેડૂતો શિયાળાના મગફળીનો પાક લઈ લેતા હોય છે અને ત્યારબાદ બટાકાની ખેતી કરે છે. મગફળીનો પાક લીધા બાદ જે બટાકાનો પાક લેવાનો હોય દરમિયાન એટલે કે એકથી દોઢ મહિના સુધીના સમયગાળા દરમિયાન ખેડૂતોની જમીન પડી રહેતી હોય છે. - યોગેશ પવાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંત
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દાંતીવાડા કે.વી.કે. ડીસાના માર્ગદર્શન હેઠળ કેટલાક ખેડૂતો મગફળીનો પાક લીધા બાદ તરત જ લીલી ડુંગળીનો વાવેતર કરે છે અને એકથી દોઢ મહિનામાં આ પાક તૈયાર થઈ જાય છે અને એક વર્ષમાં જ ચાર સિઝન લેતા હોય છે અને આ લીલી ડુંગળીના પાકમાંથી સારામાં સારી કમાણી ખેડૂતો કરતા હોય છે. ડુંગળી વાવવાથી જમીનને પણ ખૂબ મોટા ફાયદા થતા હોય છે. આમ તો મોટાભાગના પાકમાં ખાતર અને દવાઓનો ઉપયોગ કરવો પડતો હોય છે. પરંતુ આ ડુંગળીના પાકમાં ખૂબ ઓછું ખાતર અને ખૂબ ઓછી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આને ખાસ દવા અને ખાતરની જરૂર પડતી નથી અને થોડા સમયમાં તૈયાર થઈ જાય છે. ડુંગળીના મૂળ જે જમીનમાં રહી જાય છે જેના કારણે જમીન પોચી રહે છે અને ફળદ્રુપ બને છે. તેથી આવનાર સમયમાં બીજો પાકો આવે તેમાં પણ ખેડૂતને ખૂબ મોટો ફાયદો થાય છે અને સારામાં સારું ઉત્પાદન મળે છે." - યોગેશ પવાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંત
ડુંગળી વાવવાથી જમીનને ફાયદા: આમ તો મોટાભાગના પાકમાં સમય પ્રમાણે રાસાયણિક ખાતરો અને દવાઓનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે જ પાકમાં સારું રીઝલ્ટ મળતું હોય છે. પરંતુ આ ડુંગળીના પાકમાં ખૂબ જ ઓછી માત્રામાં દવા અને ખાતરની જરૂર પડે છે અને જમીનને પણ ખૂબ મોટો ફાયદો થાય છે. બીજા પાકથી જમીનને નાનું-મોટું નુકસાન થતું હોય છે. પરંતુ આ ડુંગળીના પાકને જ્યારે જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે ડુંગળીના જે નાના નાના મૂળ છે તે જમીનમાં તૂટીને રહી જતા હોય છે. જેના કારણે જમીનમાં ખાતરનું પ્રમાણ વધે છે, જેના લીધે અળસિયાનું પ્રમાણ પણ વધે છે અને નાના-મોટા જીવજંતુ પણ વધે છે તેથી જમીન ફળદ્રુપ બને છે.
- Sabarkatha news: કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ન કરનારા ખેડૂતો માટે બટાકાની ખેતીએ રાતા પાણીએ રડાવ્યા
- Doubling of Farmers Income : પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ખેડૂતો, ડાયજેસ્ટર પ્લાન્ટ દ્વારા ઓર્ગેનિક ઉત્પાદનો કરાવે ડબલ ઇન્કમ