બનાસકાંઠા :જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક કુદરતી આફતોના કારણે નુકસાની વેઠવી રહ્યા છે, ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત ચાર વાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, ધાનેરા, ડીસા, સુઈગામ, ભાભર, પાલનપુર, દાંતા, દિયોદર, કાંકરેજ, અમીરગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સતત ચાર વાર બનાસકાંઠા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા સૌથી વધુ નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે.
વરસાદથી નુકસાન :બનાસકાંઠા જિલ્લામાં શિયાળાથી વરસાદનું આગમન થયું હતું. શરૂઆતમાં જ્યારે બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓમાં ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું, ત્યારે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાની સાથે જ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં જીરુ, રાયડો, ઇસબગુલ, બટાકા, રાજગરો, વરિયાળી, શક્કરટેટી, તડબુચ સહિતના બાગાયતી પાકોમાં અને શાકભાજીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. એક તરફ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી પોતાના ખેતરોમાં માંડ માંડ વાવેતર કર્યું હતું. તેવા સમયે જિલ્લામાં વરસાદ પડતાં ખેડૂતોને વાવેતરમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને જિલ્લાના સરહદી વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઇસબગુલ અને જીરાના પાકમાં સૌથી વધુ નુકસાન સામે આવ્યું હતું.
ખેડૂતો દ્વારા સર્વની માંગ :રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીના પગલે મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી માવઠું થયું હતું. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ સતત કરા સાથે વરસાદ થયો હતો. જિલ્લામાં શિયાળામાં ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ રાયડો, જીરું, ઘઉં, વરિયાળી, બટાકા, ઇસબગુલ સહિતના પાકનું વાવેતર કર્યું હતું. જ્યારે અન્ય બાગાયતી પાકો જિલ્લામાં તૈયાર થયેલા હતા. સતત કેટલાક વર્ષોથી જિલ્લામાં કમોસમી વરસાદ અને કુદરતી પ્રકોપના કારણે જિલ્લાના ખેડૂતો વારંવાર નુકશાની વેઠવી રહ્યા છે, ત્યારે આ બાબતે સરકાર દ્વારા તાત્કાલિક સહાય જાહેર કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.
ખેડૂતોની આંદોલનની ચીમકી : સરકાર દ્વારા તાત્કાલિક વરસાદના કારણે થયેલા નુકસાન બાબતે સર્વે કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આજે એ જાહેરાત થયાને અનેક દિવસો થયા, પરંતુ હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં એક પણ ખેડૂતના ખેતરમાં વરસાદથી થયેલા નુકસાન બાબતે સર્વે કરવામાં આવ્યું નથી. જેના કારણે હાલ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સતત કુદરતી પ્રકોપના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. જેના કારણે હાલ ઉનાળુ વાવેતર કરવા માટે ખેડૂતો પાસે પૈસા પણ બચ્યા નથી. જેથી ખેડૂતોને સરકાર દ્વારા દસ દિવસમાં સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે જેથી આવનારા સમયમાં ખેડૂતો ઉનાળો વાવેતર કરી શકે. જો સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરી શકે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.
નુકશાનનું સર્વેના થતાં ખેડુતો નારાજ :રાધા નેસડાના ખેડૂત ઠાકરશીભાઈ જણાવ્યું હતું કે, અમે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી અને અમને આશા હતી કે અમને જીરાના પાકમાંથી કંઈક ઉપજ મળશે, પરંતુ વરસાદ પડ્યો જેના કારણે અમારું જીરું નાશ પામ્યું છે. અમને મોટું નુકસાન થયું છે. સરકાર દ્વારા અમારા સુધી હજુ સર્વે કરવામાં નથી આવ્યો. અમારી બાજુમાં સુઈગામ તાલુકામાં સર્વે થયું છે. અમારા વાવ તાલુકામાં હજુ સુધી કોઈ સર્વે થયું નથી તેથી અમારું પણ સર્વે થવું જોઈએ.