બનાસકાંઠા : જિલ્લાના ડીસા તાલુકાના આખોલ ગામ પાસે હાઈવે પર શુક્રવારે બપોરના સમયે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં બાઈવાડા ગામના એસ.આર.પી જવાન મુકેશ રાવળ અને તેના સંબંધી બાઈક પર હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલી આઇસર ટ્રકના ચાલકે તેઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
બનાસકાંઠાના ડીસા પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
બનાસકાંઠાના ડીસા પાસે શુક્રવારે એક આઈશર ટ્રક ચાલકે બાઇક ચાલક એસ.આર.પી જવાનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક એસ.આર.પી જવાન સહિત બેના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા.
આ અકસ્માતમાં બાઇક પરથી પટકાતા મુકેશ સહિત તેના સંબંધીનું પણ ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે આ બનાવની જાણ ડીસા તાલુકા પોલીસ અને ધારાસભ્ય શશીકાંત પંડ્યાને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંને મૃતકોની મૃતદેહને પોસ્ટર્મોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે અને વાહન વ્યવહાર પણ સંપૂર્ણ બંધ હોવાના કારણે માર્ગો સુમસામ બની ગયા છે, ત્યારે આઈસર ટ્રક ચાલકે આવા સુમસામ અને ખુલ્લા માર્ગ પર કઈ રીતે અકસ્માત સર્જ્યો તે પણ એક સવાલ છે.