બનાસકાંઠાઃ જિલ્લાના પશુપાલકોએ પોતાની શક્તિ મુજબ જે નાણાં જમા કરાવ્યા તે 7 કરોડ 14 લાખ જેટલા થયા છે. જે નાણાંનો ચેક ચેરમેન શંકર ચૌધરીએ PM રાહત ફંડમાં આપ્યો છે. એક પશુપાલક દ્વારા પોતાના દૂધના નાણાં સ્વેચ્છાએ સરકારને કોરોના રાહત ફંડમાં જમા કરાવે એ મોટી બાબત છે. ગરીબ પશુપાલકો પણ પોતાની યથાશક્તિ મુજબ દેશ સેવામાં યોગદાન આપી દેશ માટે પ્રેરણારૂપ બન્યા છે.
કોરોના વાઇરસની લડાઈમાં બનાસડેરીએ PM ફંડમાં કર્યું રૂપિયા 7.14 કરોડનું દાન - latest news of banaskantha
એશિયાની સૌથી મોટી ડેરીના કર્મચારીઓ અને પશુપાલકો કોરોના વોરિયર્સ તરીકે કામ કરી દેશસેવા કરી રહ્યા છે. બનાસ ડેરીના પશુપાલકોએ 7 કરોડ 14 લાખ જેટલું માતબર દાન કરી દેશને કપરા સમયે મદદરૂપ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પશુપાલકોને દેશને સંકટ સમયે મદદરૂપ બનવા માટે અપીલ કરવામાં આવી હતી. જે બાદ ગ્રામ્ય સ્તરે દૂધ મંડળીઓ દ્વારા ગામના પશુપાલકોની ઈચ્છા મુજબ આપેલા સહયોગ થકી નાણાં એકત્ર કરવામાં આવ્યા હતા.
અગાઉ બનાસ ડેરીના કર્મચારીઓ દ્વારા મુખ્યપ્રધાન રાહત ફંડમાં 51 લાખ જમા કરાવ્યા હતા. જ્યારે જિલ્લાના 2 લાખ કરતા વધુ પશુપાલકોએ 7 કરોડથી વધુનો સહયોગ દેશને કપરી પરિસ્થિતિમાં સહયોગ કરી દેશસેવાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. પશુપાલકોના આટલા માતબર દાન મામલે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી એક પહેલથી મારો બનાસ ડેરી પરિવાર દેશસેવામાં જોડાયો. પશુપાલકોએ આપેલું આ માતબર દાન કોરોના મહામારીના સંકટ સમયે દેશ માટે મદદરૂપ બનશે. આજે સરહદી વિસ્તારના છેવડાના માનવીઓએ દેશસેવાનું કામ કરી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.