બનાસકાંઠાઃ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી જ્યારથી બનાસડેરીના ચેરમેન બન્યા ત્યારથી લઈને આજદિન સુધી તેમને મળેલી ભેટ સોગાદના વેચાણમાંથી મળેલી આવક બનાસડેરીમાં નવીન બની રહેલ શિવમંદિરના નિર્માણમાં અપર્ણ કરાશે. શંકરભાઇ ચૌધરીને રાજકીય અને સમાજ જીવનના વિવિધ પ્રસંગોમાં સન્માનમાં જુદી જુદી કિંમતી ભેટ સોગાદને બનાસડેરી ખાતે એકત્ર કરી પ્રદર્શન મુકવામાં આવી છે. તેમજ આ તમામ ભેટ સોગાદને આજથી વેચાણ માટે મુકવામાં આવી છે.
બનાસ ડેરીના ચેરમેનની અનોખી પહેલ, ભેટ-સોગાદના પૈસા શિવ મંદિરના નિર્માણમાં અપાયા - શંકરભાઇ ચૌધરી
રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન અને બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા પોતાના સાશનમાં મળેલી ભેટોને સ્ટોલમાં મુકવામાં આવી છે અને તે ભેટના પૈસા આગામી સમયમાં શિવના મંદિરના નિર્માણ માટે આપવાના હોઈ આ ભેટ ખરીદવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
અંદાજીત એક હજારથી વધુ ભેટ સોગાદમાં દેવી દેવતાઓની પ્રતિમા, તલવાર, મહા પુરુષોની મૂર્તિઓ સહિત સ્મૃતિ ચિહ્નનો જેવી કિંમતી ભેટ સોગાદોમાંથી ઉપજેલી રકમ બનાસડેરીના સંકુલમાં શિવમંદિરના નિર્માણમાં અર્પણ કરવામાં આવશે. બનાસડેરીના ચેરમેન બન્યા બાદ તેમણે મળેલી વિવિધ ભેટ સોગાદોને વેચાણ માટે મુકાઈ છે અને તેમાંથી ઉપજેલ રકમ શિવ મંદિરના નિર્માણમાં લેવામાં આવનારી છે.
આ અંતર્ગત અહીંયા પાલનપુરના આજુ બાજુથી લોકો મોટી સંખ્યામાં આ ભેટ લેવા અને નિહાળવા માટે આવે છે અને બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીની આ પહેલને બિરદાવી હતી.