- બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સ્થિતિ
- જિલ્લામાં નહિવત વરસાદના કારણે પાણીની અછત સર્જાઈ
- જિલ્લાના ત્રણેય જળાશયો કોરાકાટ જોવા મળી રહ્યા છે
બનાસકાંઠા: રણની કાંધીને અડીને આવેલા જિલ્લાને કારણે, દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની વિકટ સમસ્યાઓ શરૂ થઈ જાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણી અને ખેતી કરવા માટે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય છે. લોકોએ કિલોમીટર દૂર જઈ પીવા માટે પાણી ભરીને લાવવા પડે છે. દર વર્ષે ઉનાળામાં તમામ તાલુકાના મોટાભાગના ગામોમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે, ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં નહીંવત વરસાદના કારણે પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
આ પણ વાંચો:બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત બાદ ધાનેરના આસિયા ગામની ડેરી બંધ થતા પશુપાલકોમાં રોષ
જીવાદોરી સમાન જળાશયોમાં નહીવત પાણી
બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જીવાદોરી સમાન જળાશયોમાં પણ નહીવત પાણી છે. જેના કારણે ડેમ આધારીત અનેક ગામ હાલ પાણી વગર તરસી રહ્યા છે. મોટાભાગના ગામોમાં સરકાર દ્વારા પાણી એકઠું કરવા તળાવો પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ, ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ઓછો વરસાદ થયો હતો. જેના કારણે તમામ તળાવ કોરાધાકોર પડ્યા છે. જેના કારણે મોટાભાગના ખેડૂતો હાલ પાણી વગર ખેતી પણ કરી શકતા નથી. જેના કારણે હાલ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.