- બનાસ ડેરીએ સોલાર પ્લેટના ઉપયોગથી એક નવી પદ્ધતિ વિકસાવી
- બનાસડેરીએ વરાળમાંથી પાણી બનાવવાની પદ્ધતી વિકસાવી
- બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં દર વર્ષે સર્જાઈ છે પાણીની સમસ્યા
બનાસકાંઠાઃ જિલ્લોએ રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે. જેના કારણે દર વર્ષે જિલ્લાના સરહદી વિસ્તારોમાં લોકોને સૌથી વધુ પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. દર વર્ષે જિલ્લાના વાવ, સુઈગામ, ભાભર અને થરાદ સરહદી વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે દૂર-દૂર સુધી જવું પડતું હોય છે. ક્યાંક તો પાણી ન મળવાના કારણે લોકોએ વરસાદી પાણી આધારિત પોતાનું ગુજરાન ચલાવવું પડે છે. જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન થઇ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં દર વર્ષે સર્જાઈ છે પાણીની સમસ્યા બનાસ ડેરી દ્વારા નવતર પ્રયોગ
ઉનાળાની શરૂઆત થતાં જ સરહદી વિસ્તારમાં ચારેબાજુ પાણી માટે લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. ત્યારે ચાલુ વર્ષે પણ સરહદી બનાસકાંઠા જિલ્લામાં લોકોએ પીવાના પાણી માટે પાંચ-પાંચ દિવસ સુધી રાહ જોઇને બેસી રહેવું પડે છે. પાણી ન હોવાના કારણે પશુઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહે છે. જેથી આગામી સમયમાં સરહદી વિસ્તારોમાં પાણીની તંગી ન સર્જાય તે માટે બનાસ ડેરી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
એશિયાની નંબર વન બનાસ ડેરીની નવી પહેલ ટેકનોલોજીની મદદથી દિવસનું 120 લીટર પીવાનું પાણી બનવવામાં આવશે
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા વરાળમાંથી પાણી બનાવવાની પદ્ધતિ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે અને આમાં કેટલાક અંશે સફળતા પણ મળી છે. આ અંગે બનાસડેરી દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. હવે રણ વિસ્તારમાં પણ લોકોને સહેલાઈથી પાણી મળી રહેશે. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ રણ વિસ્તારમાં સોલાર પ્લેટના ઉપયોગથી એક પદ્ધતિ વિકસાવી જેના દ્વારા વરાળમાંથી ટેક્નોલૉજીની મદદથી દિવસનું 120 લીટર પીવાનું શુદ્ધ પાણી બનવવામાં આવી રહ્યું છે. જે રણ વિસ્તારમાં વસતા લોકો અને જવાનો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો આવનાર સમયમાં પાણીની સમસ્યામાંથી છૂટકારો મળી શકશે.