બનાસકાંઠા: એશિયામાં સૌથી વધુ દૂધ મેળવતી અને મોટી બનાસ ડેરીની રવિવારે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. કોરોના મહામારીના પગલે આ સાધારણ સભા સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવી હતી. 50 સભ્યોની હાજરીમાં યોજાયેલી આ સાધારણ સભામાં બનાસ ડેરીની વાર્ષિક આવક તેમજ ડેરીએ કરેલા વિકાસની સમગ્ર રૂપરેખા રજૂ કરાઈ હતી.
બનાસ ડેરીની 52મી વાર્ષિક સાધારણ સભા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ઓનલાઇન માધ્યમથી ડેરી સાથે જોડાયેલી 1,400 મંડળીઓના પશુપાલકોને માહિતી આપી હતી. દર વર્ષે સાધારણ સભામાં ભાવ વધારો કેટલો મળશે તેના પર પશુપાલકોની કાગડોળે નજર હોય છે, ત્યારે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ વર્ષે ઐતિહાસિક ભાવ વધારો આપ્યો છે. 1,144 કરોડ જેટલી માતબર રકમ ભાવ વધારામાં આપતાં જિલ્લાના પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની 52મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ રવિવારે યોજાયેલી બનાસડેરીની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન શંકર ચૌધરીએ ડેરીના વિકાસની તમામ રૂપરેખા દિલ્હીના પશુપાલકો સામે રાખી 5 વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ડેરીના દૂધ પ્રોડક્ટથી લઈ ખાદ્યચીજોનું ઉત્પાદન કર્યું છે. દિયોદરમાં નવો ડેરી પ્લાન્ટ, ટેક હોમ રાશન, મધ પ્રોજેકટ, દાણ પ્લાન્ટની ક્ષમતા, તેલ પ્લાન્ટ, ગોબર ગેસ પ્લાન્ટ એમ અનેક નવા આયામ ડેરીએ 5 વર્ષમાં મેળવ્યા છે, જ્યારે ડેરીનું ટર્ન ઓવર 12,170 કરોડ પર પહોંચ્યું છે.
5 વર્ષ આગાઉની સરખામણીએ ડેરીની સંપત્તિમાં 1,903 કરોડ જેટલો વધારો નોંધાયો છે. પશુપાલકોની મહેનતના કારણે આજે બનાસ ડેરીએ 73 લાખ લીટર દૂધ એકજ દિવસમાં એકત્ર કરવાનો વિક્રમ સર્જ્યો છે. જેનો શ્રેય ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોને આપ્યો હતો.