ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. ગત વર્ષે મગફળીમાં ખરીદીમાં વ્યાપક કૌભાંડ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે અનાજ અને તેલીબીયાની ખરીદી નાફેડ મારફતે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવી રહી છે. જોકે તેમાં પણ અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં 12 તાલુકામાં પુરવઠા નિગમ દ્વારા રાયડાની ખરીદી ચાલી રહી છે.
જેમાં ધાનેરા પુરવઠા ગોડાઉન ખાતે ચાલી રહેલા ખરીદ કેન્દ્રમાં અધિકારીઓ દ્વારા ખેડૂતોનો માલ ન લેવાતો હોવાની તેમજ વેપારીઓનો માલ ખરીદતા હોવાની ફરિયાદો ઉઠી છે. ધાનેરામાં દસ હજારથી વધુ ખેડૂતોની નોંધણી કરાવી છે. જેની સામે દરરોજ માત્ર 30થી 35 ખેડૂતોનો માલ લેવાય છે. જેથી ખેડૂતોની લાંબી કતારો લાગી રહી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ અધિકારીઓ દ્વારા રજીસ્ટ્રેશન ઉપરાંત ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર કરી ખેડૂતોનો માલ ઓછો લઈ રહ્યા છે અને વેપારીઓનો માલ વધુ લઈ રહ્યા છે. આ બાબતે ધાનેરા મામલતદારને પણ આવેદનપત્ર આપી આ કૌભાંડની તપાસ કરવા જણાવ્યું છે.
ધાનેરા તાલુકામાં દસ હજારથી વધુ ખેડૂતોની નોંધણી થઈ છે. જેની સામે પુરવઠા ગોડાઉનમાં સ્ટાફ ઓછો હોય ખેડૂતોનો માલનો વઝન કરવામાં તકલીફ પડી હતી. પરંતુ હાલમાં મજૂરો અને કાંટાની સંખ્યા વધારી દરરોજ ખેડૂતોને વારા પ્રમાણે માલ વઝન કરવામાં આવે છે. વેપારીનો માલ વઝન કરવા માટે ખેડૂતોની ફરિયાદ ખોટી છે.
રાયડા ખરીદીમાં કૌભાંડ ચાલતું હોવાનું મામલતદારને આવેદનપત્ર ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી થઇ રહી હોય ત્યારે ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારની બાબત સામે આવી જ જાય છે. ત્યારે ધાનેરામાં પણ સરકાર દ્વારા તટસ્થ રીતે તપાસ કરાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.