બનાસકાંઠાઃ કોરોનાની મહામારી છેલ્લા કેટલાય મહિનાથી ચાલી રહી છે. લોકોના ધંધા ભાંગી પડ્યા છે. લોકોને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. કેટલીક જગ્યાએ રિક્ષાચાલકોએ ધંધા નહી હોવાના કારણે અને લોનના હપ્તા ન ભરાતા આત્મહત્યા કરવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે.
પાલનપુર રિક્ષા એસોસિએશન દ્વારા પોતાની માંગણીઓને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, જેથી સરકાર દ્વારા લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, હવે અનલોકમાં ધીરે ધીરે બધુ ખોલવામાં આવી રહ્યું છે, પરતું તેમ છતા હજુ પહેલા જેવા ધંધા રોજગાર ચાલતા નથી. જેના કારણે મજૂરી કરીને પેટ ભરતા મધ્યમવર્ગના લોકોના માથે જાણે આભ તૂટી પડ્યું હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઓટો રિક્ષા એસોસિએશન પાલનપુર દ્વારા પોતાની માંગણીઓને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા આત્મનિર્ભર બનવા માટે કેટલીક યોજના બહાર પાડવામાં આવી હતી અને હાઇકોર્ટ દ્વારા સરકારને આદેશ પણ કરવામાં આવ્યો હતો કે, રિક્ષા ચાલકોને તેમજ મધ્યમ વર્ગના લોકોને ઓછા ડોક્યુમેન્ટ તેમજ વગર સાક્ષીએ લોન આપવામાં આવે તેમ છતાં હજી સુધી આ બાબતે સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી, ત્યારે પાલનપુર રિક્ષા એસોસીએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આત્મનિર્ભર બનવા માટે હાઇકોર્ટ દ્વારા સરકારને આદેશ કરવામાં આવ્યો હતો કે, કોરોના મહામારીમાં રિક્ષા ચાલકોને વગર સાક્ષી અને ઓછા ડોક્યુમેન્ટે મિનિમમ 50 હજાર રૂપિયાની લોનની સહાય આપવી, તેમછતાં હજુ સુધી એક પણ રીક્ષા ચાલકને લોનની સહાય ન અપાતા ગુરુવારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.