બનાસકાંઠા : જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. મોટાભાગના ખેડૂતો અહીં ખેતી કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કુદરત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર ખફા થઈ હોય તેમ એક પછી એક મોટું નુકસાન બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભોગવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી નર્મદાનું પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ કેનાલ બનાવવામાં આવી હતી. આ કેનાલ દ્વારા બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાણી પહોંચાડવામાં આવે છે. જેના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં સારો પાક મેળવી અને કમાણી કરી રહ્યા છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના અનેક એવા તાલુકાઓ છે કે જ્યાં ગુજરાત સરકાર દ્વારા નર્મદાની નહેરો બનાવવામાં આવી છે, પરંતુ આ નહેરોમાં પાણી ન પહોંચતા ખેડૂતોના મોટા પાયે ખેતરોમાં પાકને નુકસાન થઈ રહ્યું છે.
બનાસકાંઠાના દિયોદરની કેનાલમાં નર્મદા નહેરનું પાણી ચાલુ કરાવવા આવેદનપત્ર પાઠવ્યું - સુજલામ સુફલામ કેનાલ
જિલ્લાના દિયોદર તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાથી અનેક ખેડૂતોને લાભ થઈ શકે છે, પરંતુ આ કેનાલ છેલ્લા ઘણા સમયથી કોરી-ધાકોર પડી રહેતા ખેડૂતોને પાણી મળતું નથી, ત્યારે આ નહેર દ્વારા ખેડૂતોને પાણી મળી રહે તે માટે આજે સ્થાનિક ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગુજરાત સરકાર એક તરફ ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડી ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રયત્નો કરી રહી છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓ છે કે જ્યાં સમયસર નર્મદા નહેરમાં પાણી ન પહોંચતા તેમના ખેતરોમાં ઉભેલા પાક બગડી રહ્યો છે, ત્યારે આજરોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને લાખણી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં લાગતા વળગતા અધિકારીઓ દ્વારા પાણી બંધ કરી દેતા ખેડૂતોના ખેતરમાં ઊભો પાક બળી રહ્યો છે. એક તરફ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ખેડૂતોને સમયસર પાણી મળી રહે છે તેવી વાતો કરી રહ્યા છે અને બીજી તરફ દિયોદરના ખેડૂતોને નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા પાણી બંધ કરી દેવાતા આ ખેડૂતો રોષે ભરાયા હતા અને આજે દિયોદર નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં ગામમાં આવેલા પાણી પુરવઠાના ત્રણ બોર બંધ કરવામાં આવશે અને લાખણી હાઈ-વે પણ બંધ કરવામાં આવશે.
ખેડૂતોના લાભની વાત કરતી સરકાર આજે ખેડૂતો માટે કશું જ ન કરતી હોય તેવું લાગી રહ્યું છે. સતત કુદરતનો માર સહન કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આ બધી કુદરતી આપત્તિ ભૂલી જાય ફરી એક વાર ઉભા થવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ નર્મદા નિગમના અધિકારીઓને જાણે ખેડૂતોની કશું પડી જ ન હોય તેમ મન ફાવે ત્યારે નર્મદાનું પાણી છોડવામાં આવે છે અને મન ફાવે ત્યારે પાણી બંધ કરી દેવામાં આવે છે, ત્યારે સરકાર પણ આ બાબતે ખેડૂતોનું ધ્યાન રાખી અને નર્મદાનું પાણી સમયસર ખેડૂતોને મળી રહે તો ખેડૂતોનો સમયસર પાક બચી શકે તેમ છે.