- પાલનપુરમાં રોજના 100થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ આવ્યા સામે
- બનાસડેરી દ્વારા 44 લાખના ખર્ચે ઓક્સિજન ટેન્ક વસાવી
- અગાઉ 72 કલાકમાં 680 કિલો ઓક્સિજન બનાવવામાં આવ્યો
- બનાસડેરી દ્વારા આ ટેન્ક આવતા અનેક દર્દીઓના જીવ બચશે
બનાસકાંઠા: જિલ્લામાં અત્યારે સૌથી વધુ કોરોના દર્દીઓના કેસ પાલનપુરમાં સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણના કારણે હાલમાં, પાલનપુરમાં રોજના 100થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે, આ તમામ દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે બનાસડેરી દ્વારા બનાસ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. તેમાં, ડોક્ટરો દ્વારા આ દર્દીઓને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. ગત વર્ષે, પણ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના કોરોના પોઝિટિવ દર્દીઓને આ બનાસ કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
પાલનપુરમાં બનાસડેરી સંચાલિત કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન મશીન લગાવાયું આ પણ વાંચો:પોરબંદરમાં ખારવા સમાજના યુવાનો દ્વારા ઓક્સિજન ફ્લોમીટર કીટ બનાવી કર્યું દાન
બનાસડેરી દ્વારા 44 લાખના ખર્ચે ઓક્સિઝન ટેન્ક વસાવી છે.
બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. તેની સાથે ઓક્સિજનની જરૂરિયાત પણ વધી રહી છે. જેને પહોંચી વળવા માટે પાલનપુરમાં આવેલી બનાસડેરી સંચાલિત જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં અઠવાડિયા અગાઉ જ ઓક્સિજન મશીન વસાવ્યું હતું. જેના દ્વારા રોજના 70 બોટલ ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાય છે. ત્યારબાદ, હવે બનાસ ડેરીએ 44 લાખ રૂપિયાના ખર્ચે ઓક્સિજન ટેન્ક વસાવી છે. આ ટેન્કમાં 10 ટન ઓક્સિજનના જથ્થાનો સંગ્રહ કરી શકાય છે અને ઇમરજન્સી સંજોગોમાં ટેન્કમાં સંગ્રહ કરેલા જથ્થાથી દર્દીઓને સારવાર આપી શકાય અને તેમનો જીવ બચાવી શકાય. બનાસકાંઠા જિલ્લાની આ 126 બેડની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં અત્યારે 200થી પણ વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્દીઓને રોજની 400 બોટલ ઓક્સિજનની જરૂરિયાત હોય છે. જેને પહોંચી વળવા માટે બનાસ ડેરીએ પહેલા ઓક્સિઝન પ્લાન્ટ લગાવ્યો હતો. ત્યારબાદ, ઓક્સિજનના બાટલાની ખરીદી કરી અને હવે 10 ટન ઓક્સિઝનનો સંગ્રહ કરી શકે તેવા ટેન્કની પણ ખરીદી કરી છે. જેથી, આવનારા સમયમાં આ બનાસકાંઠા જિલ્લાની હોસ્પિટલ ઓક્સિજન મામલે સંપૂર્ણપણે આત્મનિર્ભર બની જશે.
પાલનપુરમાં બનાસડેરી સંચાલિત કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન મશીન લગાવાયું આ પણ વાંચો:આણંદ અને નડિયાદ સિવિલમાં અમુલ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરશે
અગાઉ 72 કલાકમાં 680 કિલો ઓક્સિજન બનાવવામાં આવ્યો હતો
બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછતના કારણે દર્દીઓના મોત ન થાય અને ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ બનાસડેરી દ્વારા સંચાલિત કોવિડ હોસ્પિટલમાં બનાવવામાં આવ્યો હતો. જે પ્લાન્ટ કલાકના 28 કિલો શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આ પ્લાન્ટ દ્વારા 72 કલાકમાં 680 કિલો ઓક્સિજન બનાવે છે. જેનાથી રોજની 70 મોટી બોટલ ઓક્સિજન ભરી શકાય છે. તેનાથી રોજના 35 દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકાય છે. નોંધનીય છે કે, આ પ્લાન્ટ બનાવતા 2 મહિના જેટલો સમય લાગે છે. પરંતુ, આ બનાસડેરી દ્વારા સંચાલિત કોવિડ હોસ્પિટલના સ્ટાફે દિવસ-રાત મહેનત કરી માત્ર અઠવાડિયામાં જ આ પ્લાન્ટ તૈયાર કર્યો હતો. આ પ્લાન્ટ નાખવાથી ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન થાય છે.