ચોમાસા બાદ હવે રોગચાળો વકરી રહ્યો હોવાથી હોસ્પિટલ દર્દીઓથી ઊભરાવા લાગી છે. બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસ સુધી વરસાદ પડ્યા બાદ રોગચાળો ફાટી નીકળ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે. તેમાં પણ ખાસ કરીને પાણીમાં પલડવાના કારણે તાવ, શરદી અને ખાંસીના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા લોકોએ પણ બે બે કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ નંબર આવે છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં મચ્છરજન્ય તાવ અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા પણ વધી ગઈ છે. જેથી સરકારી જ નહીં ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ કીડીયારાની જેમ ઉભરાઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં રોગચાળો ફાટતા હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો વધ્યો - ETV Bharat
બનાસકાંઠા: ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાના વરસાદ બાદ મચ્છરજન્ય રોગ વકરતા દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઈ ગયો છે. જેથી તાવ ,શરદી અને ખાંસીના દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ રહી છે.
ડીસા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે દરરોજ 600 જેટલા દર્દીઓ આવતા હોય છે, પરંતુ સતત ચાર દિવસ વરસાદ થયા બાદ છેલ્લા એક અઠવાડિયાથી તેમાં 20 ટકા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. તંત્ર દ્વારા દર્દીઓને તકલીફ ન પડે તેથી તબીબોની સંખ્યા વધારી દેવાઈ છે. જો કે, તબીબો લોકોને સારવારની સાથે સાથે સ્વસ્થ અને જાગૃતિ લાવવા માટે સલાહ પણ આપી રહ્યા છે કે, ઘરની આજુ બાજુ પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવું, વાસી ખોરાક ન ખાવો તેમજ બીમાર થાય તો તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવાથી મોટી બીમારીથી બચી શકાય છે.