બનાસકાંઠામાં વારંવાર અકસ્માતની ઘટનાનો ભોગ બની રહેલા વિદ્યાર્થીઓ વધુ એક અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્યારે મંગળવારે ડીસા-પાલનપુર હાઇવે પર બનેલી વધુ એક અકસ્માતની ઘટનામાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઘટના મંગળવારે બપોરના સમયે પાલનપુર તરફથી આઈટેન કાર આવી રહી હતી. તે દરમિયાન ભોયણ ગામ નજીક એક મોટર સાયકલ હાઇવે ક્રોસ કરી રહ્યું હતું, ત્યારે કારની ટક્કર લાગતા બાઇક ચાલક હવામાં ફંગોળાઈ ગયો હતો. જેથી બાઇક પર સવાર બે શખ્સોને ઇજાઓ પહોંચી હતી.
બનાસકાંઠામાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકો ઘાયલ
બનાસકાંઠા: જિલ્લામાં વધતા જતા અકસ્માતોના બનાવ વચ્ચે મંગળવારે ભોયણ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક અને કાર ચાલક સહિત રાહદારીઓને પણ ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત બનતા ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું.
ત્યારબાદ કાર ચાલકે કાર પર કાબુ ગુમાવતા બસ સ્ટોપ પર ઉભેલા શાળાના વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. જેમાં બે વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે શખ્સો અને બે વિદ્યાર્થીઓ સિવાય ગાડીમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં ગાડીનો ચાલક કમલેશ ભૂતડીયા, મૂળીબેન ભૂતડીયા અને અન્ય એક નાનું બાળક ઇજાગ્રસ્ત થયું છે. જ્યારે બાઇક પર સવાર નરેશ ઠાકોર અને જગદીશ ઠાકોરને ઇજાઓ પહોંચી છે. આ ઉપરાંત આ ઘટનામાં બસ સ્ટોપ પર ઉભેલા અલ્પેશ ઠાકોર અને ચેહરાજી ઠાકોર ઇજાગ્રસ્ત થયા છે.