બનાસકાંઠાઃ અંબાજીના રાધા પીરાજી રબારીને એક અઠવાડિયા અગાઉ પ્રસૂતાની પીડા ઉપડતા અંબાજી બાદ વધુ સારવાર અર્થે પાલનપુર લઇ જવામાં આવી રહ્યાં હતા. આ દરમિયાન અંબાજી પોલીસે માસ્ક નહીં પહેરવાના મુદ્દે ગાડી પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરી હતી. જેથી મહિલાની તબિયત અચાનક લથડી હતી. મહિલાથી તબિયત લથડતાં પાલનપુર બાદ મહિલાને ધારપુર લઇ જઈ ઓપરેશનના માધ્યમથી ડિલિવરી કરાવી હતી. જેમાં માતાના પેટમાં જ બાળકનું મોત નિપજ્યું હતું. જેથી મહિલાના પરિવારજનોએ પોલીસની બેદરકારીના લીધે મોત થયાના આક્ષેપ કર્યા હતા.
અંબાજી મહિલા પ્રસૂતિ પ્રકરણઃ ન્યાયીક તપાસ માટે ગોપાલ રબારી સમાજ સેવા સંગઠને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું - ડીસાના તાજા સમાચાર
અંબાજીમાં એક અઠવાડિયા અગાઉ પોલીસની બેદરકારીના લીધે નવજાત શિશુનું માતાના ગર્ભમાં જ મોત થવાના આક્ષેપો થઇ રહ્યા છે, ત્યારે ન્યાયીક તપાસ માટે ડીસા રબારી સમાજ દ્વારા સોમવારે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ઘટનાના 1 અઠવાડિયા બાદ પણ જવાબદાર પોલીસ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી શ્રી ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન ડીસા-બનાસકાંઠા દ્વારા ડીસાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ન્યાયીક તપાસની માગ કરવામાં આવી હતી.
આ અંગે સાગર જોટાણાએ જણાવ્યું કે, પોલીસે માનવતાને નેવે મુકી પ્રસૂતા મહિલાને રોકી રાખતા બાળકનું મોત થયું હતું. જેથી ન્યાયીક તપાસ માટે ગૃહપ્રધાન સહિતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી સમયમાં ન્યાયિક તપાસ નહીં કરવા પર ગોપાલ રબારી સમાજ સેવા સંગઠને સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે ધરણાં પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે.