અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી છે. અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા અને મેળામાં દોડતી મોટાભાગની એસ.ટી.બસો નવિન જોઇને યાત્રિકોને આનંદ થયો છે. કલેકટરના આ અભિગમની લોકોએ સરાહના કરી છે. અંબાજીમાં ઉમટતા લાખો માઇભક્તોને પરત ઘેર જવામાં સરળતા રહે તે માટે એસ.ટી. તંત્ર દ્વારા 1100 જેટલી બસો ચલાવવામાં આવે છે. આવી સરસ સુવિધાને લીધે યાત્રીકો કાયમી સંભારણા સાથે પોતાને વતન સરળતાથી પાછા ફરી રહ્યા છે. મંદિર પરિસરમાં દર્શન માટે બે રેલીંગની સરસ સુવિધાઓ હોવાથી યાત્રિકોને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડતુ નથી.
ગબ્બર મુકામે પણ યાત્રિકોની વિશાળ સંખ્યા જોવા મળે છે. માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર મુકામે નિર્માણ કરવામાં આવેલ 51 શક્તિપીઠોના દર્શનનો લ્હાવો એક જ સ્થળે મળે છે, જેનાથી માઇભક્તો ધન્ય બની રહ્યા છે. અંબાજી મંદિર પરિસર અને સમગ્ર અંબાજીમાં જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રોશની અને લાઇટીંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવતા અંબાજી તીર્થ સ્થાનની ભવ્યતા અને સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે. રોશનીને લીધે અંબાજી મંદિરની ભવ્યતા નિહાળી માઇભક્તોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી છે. યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે તેમજ પ્રસાદ વગેરે મેળવી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. દૂર-દૂરથી પદયાત્રા દ્વારા ચાલીને આવતા ઘણા યાત્રિકો ભક્તિભાવપૂર્વક મંદિર પર ધજા ચડાવી ધન્ય બનતા જોવા મળે છે. ચાચર ચોકમાં બોલ માડી અંબે, જય જય અંબેના જયઘોષ સતત ગુંજી રહ્યા છે. અંબાજીમાં ભક્તિભર્યા ભવ્ય માહોલની જમાવટ થઇ છે.
અંબાજી મહામેળા પ્રસંગે યાત્રિકોને જરૂરી સુવિધાઓ આપવા કલેકટર સંદીપ સાગલેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેવાભાવ સાથે યાત્રિકોને સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. સ્વચ્છતા, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, વિસામાકેન્દ્રો, સુરક્ષા, લાઇટીંગ, પરિવહન અને પાર્કિંગ, વિનામૂલ્યે ભોજન, દૂધ વિતરણ, સરળતાથી સારા દર્શન કરવાની સુવિધા સહિત તમામ વ્યવસ્થાઓ યાત્રિકોને સારી રીતે ઉપયોગી નિવડી રહી છે. લાખોની સંખ્યામાં યાત્રિકો આવવા છતા પણ અંબાજી મુકામે અને રસ્તાઓ ઉપર સારી સ્વચ્છતા જોવા મળે છે.
અંબાજી મહામેળા પ્રસંગે લાખોની સંખ્યામાં યાત્રિકો સાત દિવસ દરમિયાન દૂરદૂરથી યાત્રાધામ અંબાજીમાં આવે છે. આ પ્રસંગે રસ્તાઓ ઉપર અને સમગ્ર અંબાજીમાં સતત વીજ પુરવઠો જાળવવાની પ્રશંસનીય કામગીરી યુ.જી.વી.સી.એલ પાલનપુરના સુપ્રિટેન્ડર એન્જીનિયર એલ.એ.ગઢવીના નેતૃત્વમાં તેમની સમગ્ર ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહી છે.
મેળા પ્રસંગે પદયાત્રિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવા માટે બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી કોટેજ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતા ખાતે 9 નિષ્ણાંનત ડોકટરો જેમાં ઓર્થોપેડીક, સર્જન, ફીઝીશીયન, પીડીયાટ્રીશીયન, એનેસ્થેટીક ડોકટરો તેમની ટીમ સાથે ઉપલબ્ધ છે. અંબાજી જતા રસ્તાઓ પર 31 સ્થળોએ સારવાર સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. ઇમરજન્સી 108 અંતર્ગત 10 સ્થળોએ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. મેડીકલ ઓફીસર, ફાર્માસીસ્ટ, સ્ત્રી આરોગ્ય કાર્યકર સહિત 168નો તબીબી સ્ટાફ કાર્યરત છે.