બનાસકાંઠાઃ જિલ્લાના અંબાજી અને દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ પર ગમખ્વાર અકસ્માતો સર્જાતા અનેક લોકોના મોત નિપજ્યા છે, આવી ઘટનાઓને નિવારવા હાલ અંબાજી- દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ વિસ્તારના માર્ગને પહોળો કરવા પહાડો કાપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે અંબાજી દાંતા માર્ગ પર વાહનવ્યવહારને પ્રતિબંધ જાહેરનામું પ્રસિદ્ધ કરી તમામ વાહનોને વાયા હડાદથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેને લઈ એસ ટી વાહનવ્યવહાર ઉપર ખુબ મોટી અસર થવા જોવા મળી રહી છે.
અંબાજી ડેપોના 258 તેમજ અન્ય ડેપોના 290 કુલ 552 જેટલા રૂટને ડાયવર્ઝન અપાતાં રોજિંદા 32 કિલોમીટર વધારાનો રન કાપવો પડે છે, જેને લઈ પ્રતિબંધ કરાયેલા માર્ગને બે માસના અંતે અંબાજી એસ.ટી ડેપોને 10થી 12 લાખ રૂપિયાની નુકસાની વેઠવી પડી છે. જ્યારે અન્ય ડેપો સહિતની વાત કરીએ તો ટોટલ ગુજરાત એસ.ટી નિગમને બે માસમાં 70થી 80 લાખ રૂપિયાની નુકસાની ભોગવવી પડી રહી છે અને મુસાફરોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.