- ચૂંટણી પ્રચાર શરૂ થાય તે પહેલાં જ રાજકીય યુદ્ધ
- કોંગ્રેસની મહિલા ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા રૂપિયાની કરી ઓફર
- રૂપિયાની લેતી-દેતીનો ઓડિયો થયો વાયરલ
બનાસકાંઠા: પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે રાજકીય યુદ્ધ ચરમસીમાએ પહોંચવાની આશા છે. પાલિકા ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનાં અંતિમ દિવસે વોર્ડ નંબર-2ના કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા બાદ વોર્ડ નંબર-10માં ભાજપના મહિલા ઉમેદવારના પતિએ કોંગ્રેસ ઉમેદવારની મહિલાના સસરાને ફોન કરી રૂપિયાની ઓફર કરી ફોર્મ પરત ખેંચવા દબાણ કર્યું હતું. રૂપિયાની લેતી-દેતીનો ઓડિયો વાયરલ થતાં ભાજપના મહિલા ઉમેદવારના પતિએ તમામ આરોપોને નકારી તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું.
ફોર્મ ખેંચવા ત્રણ લાખની આપી ઓફર
પાલનપુર નગરપાલિકાએ બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા છે. 2015માં ભાજપને 44માંથી 23 સીટો મળતાં પાંચ વર્ષ ભાજપ સત્તા પર રહી હતી. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે સત્તા હાંસલ કરવા એડી-ચોટીનું જોર લગાવ્યું છે. ફોર્મ પરત ખેંચવાનાં અંતિમ દિવસે વોર્ડ નંબર-2માં કોંગ્રેસના 17 વર્ષોથી કાર્યકર અને મહિલા ઉમેદવાર શકુન્તલાબેને ફોર્મ પરત ખેંચી લીધું હતું અને સમાજના દબાણથી ફોર્મ ખેંચ્યું હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ વોર્ડ નંબર-10માં ભાજપના મહિલા ઉમેદવારના પતિ પાર્થસારથી પર આરોપ મૂક્યો હતો કે, તેઓએ ફોર્મ ખેંચવા ત્રણ લાખની ઓફર આપી ધાક ધમકી આપી હતી.
ભાજપના ઉમેદવારના પતિએ તમામ આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવી નકાર્યા
પાર્થસારથી કોંગ્રેસનું ફોર્મ ખેંચવા રૂપિયાની ઓફર કરતા હોય તેવો ઓડિયો પણ કોંગ્રેસે વાયરલ કર્યો હતો. કોંગ્રેસના મહિલા ઉમેદવારના આરોપ સામે ભાજપના પાર્થસારથીએ જણાવ્યું હતું કે, આ તમામ આરોપો ખોટાં છે, સામાજિક સંબંધોની વાતચીત હતી, કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી આ રીતના ખોટાં આરોપો લગાવે છે.