બનાસકાંઠાઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ધીરે-ધીરે વધુ લોકોને તેના ભરડામાં લઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ઓસ્ટ્રેલિયાથી ઈન્ટરશિપ માટે આવેલા ચાર તબીબોને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓને તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
કોરોના વાયરસની અસરથી ડીસામાં તમામ કાર્યક્રમ રદ કરાયા
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે તેની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. ત્યારે કોરોના વાયરસની અસર લોકો પર ન થાય તે માટે ડીસામાં યોજાનારા તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
ડીસાની ભણસાલી હોસ્પિટલમાં આવેલા બે મહિલા સહિત ચાર તબીબોને શરદી ખાંસી અને તાવની અસર થતા જ આરોગ્ય વિભાગે તેઓની સારવાર કરી હતી. તેમજ પ્રાથમિક તપાસમાં જ શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જણાતા હાલમાં આ તમામ 4 અસરગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જે અંગે વધુ માહિતી ડીસા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એચ હરિયાણીએ આપી હતી.
ખાસ કરીને ડીસા ખાતે યોજાનાર આરોગ્ય ચકાસણી કાર્યક્રમ માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી હતી. આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત તમામ ડોક્ટરો અને ડીસા શહેરની જનતાને પણ આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું પરંતુ કોરોના વાયરસની અસર લોકો પર ન થાય તે માટે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.