સમગ્ર ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક માટે લેખિત પરીક્ષાઓ યોજાઇ હતી. જેમાં ગુજરાત રાજ્યમાં સાડા દસ લાખ જેટલા ઉમેદવારોએ બિન સચિવાલયની લેખિત પરીક્ષાઓ આપી હતી, ત્યારે થરા પાસે બિનસચિવાલયની પરીક્ષા આપી પરત ફરી રહેલા ભાઈ-બહેનને અકસ્માત નડ્યો હતો.
પરીક્ષા આપી ઘરે જઈ રહેલા ભાઈ-બહેનને નડ્યો અકસ્માત, બહેનનું મોત - બિન સચિવાલયની પરીક્ષા
બનાસકાંઠાઃ સમગ્ર ગુજરાતમાં રવિવારના રોજ બિન સચિવાલય માટેની પરીક્ષાઓ યોજાઇ હતી. જેમાં થરા પાસે બિન સચિવાલયની પરીક્ષા આપી પરત ફરી રહેલા ભાઈ-બહેનને અકસ્માત નડ્યો હતો. જ્યાં ઘટના સ્થળે બહેનનું મોત નીપજ્યું હતું.
![પરીક્ષા આપી ઘરે જઈ રહેલા ભાઈ-બહેનને નડ્યો અકસ્માત, બહેનનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5095039-thumbnail-3x2-aksmat.jpg)
જેમાં ખીમત ગામે રહેતા માયાબેન સુથાર પોતાના ભાઈ સાથે પોતાને સરકારી નોકરી મળે અને પોતાના પરિવારનું નામ રોશન થાય તે માટે બિનસચિવાલયની પરીક્ષા આપી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કાંકરેજના ચેખલા બસ સ્ટેશન પાસે ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર માયાબેન અને તેમનો ભાઇ રોડ પર પટકાયા હતાં. જ્યાં રોડ પર પટકાતા માયાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની જાણ આજુ-બાજુના લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જે બાદ અકસ્માતની જાણ સિહોરી પોલીસને થતા હાલ સિહોરી પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.