- ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા 4 ના મોત
- બે ટ્રકો વચ્ચે રીક્ષા ફસાઈ જતા તેમાં બેઠેલા ત્રણ લોકો જીવતા ભૂંજાયા
- સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિનું મોત થયું
ડીસા : ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભોયણ ગામના પાટિયા પાસે એક ટ્રક વળાંક લેવા જતા તેની સાઈડમાં રીક્ષા પણ ઊભી હતી. આ સમયે પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બન્ને વાહનોને અડફેટે લેતા બે વાહનો વચ્ચે રિક્ષા આવી ગઇ હતી. જ્યારે ડીસાથી પાલનપુર તરફ જતી ઇકો વાન પણ ટ્રકને ધડાકાભેર અથડાઈ હતી આમ ચાર વાહનોનો અકસ્માત થયો હતો.
આગમાં 4 વાહનો બળીને ખાખ
બંને ટ્રક વચ્ચે ફસાયેલી રીક્ષામાં અચાનક આગ લાગતા ટ્રક, ટ્રેલર અને રીક્ષા ભડભડ સળગવા લાગ્યા હતા. આગ એટલી તીવ્ર હતી કે ધુમાડાના ગોટેગોટા ત્રણ થી ચાર કિલોમીટર દૂર સુધી દેખાવા લાગ્યા હતા. રિક્ષામાં મુસાફરો બેઠેલા હતા તે બહાર ન નીકળી શક્તા હોવાથી અફરાતફરી સર્જાઇ હતી. ડીસા અને પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા બન્ને ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.