બનાસકાંઠા:આજે જન્માષ્ટમી પર્વની સમગ્ર ગુજરાતમાં રંગે ચંગે ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર જન્માષ્ટમી પર્વને લઈ લોકો અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક કૃષ્ણ ઉત્સવો ઉજવાય છે ત્યારે ડીસાની એન્જલ્સ હાઈસ્કૂલમાં આજે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
કૃષ્ણયુગને દર્શાવતી કૃષ્ણ વાટીકા: દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં છ દિવસથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. શાળાના બાળકોએ કૃષ્ણ ભગવાનના જીવનના અલગ અલગ પ્રસંગોનું આબેહૂબ ચિત્રણ રજૂ કર્યું હતું. બાળકોએ ભગવાન શ્રીકૃષ્ણ, રાધા, ગોપીઓ, વાસુદેવ, ઋષિમુની સહિતના પાત્રો ભજવ્યા હતા. તેમજ કૃષ્ણયુગના તમામ પાસાઓને દર્શાવતી કૃષ્ણ વાટીકા બનાવી હતી. ડીસાની એન્જલ્સ સ્કૂલ ખાતે રજૂ કરવામાં આવેલા પ્રદર્શનને જોવા માટે મોટી સંખ્યામાં આજુબાજુના લોકો તેમજ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા.
વિદ્યાર્થીઓએ લીધો બોધપાઠ:આ બાબતે ETV ભારત સાથેની વાતચીતમાં એન્જલ્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં શ્રી કૃષ્ણ ભગવાનના બાળપણથી લઈ અભ્યાસ સુધીના અલગ અલગ પાત્રો ભજવવામાં આવ્યા હતા. જેમાં અમને ખૂબ શીખવા મળ્યું કે ભગવાન શ્રીકૃષ્ણને પણ જીવનમાં ખૂબ તકલીફો પડી હતી. મથુરાને જેલમાં જન્મ થયો ત્યારબાદ તેમનો સગા મામા પણ તેમને મારવા ફરતા હતા. એમના જીવનમાં સંઘર્ષો ઉપરથી એટલું શીખવા મળે છે કે જીવનમાં કેટલાક પણ સંઘર્ષો કરવા પડે તો હારવું નહીં અને અડગ રહેવું.