બનાસકાંઠાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા 2 જી ઓક્ટોબરે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં કુલ 324 જગ્યાએ હેન્ડ વોશિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
હેન્ડ વોશિંગ ડેની ઉજવણી અંતર્ગત પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ વિભાગના રાજય પ્રધાન વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતીના દિવસે સમગ્ર ભારતભરમાં લોકો ગાંધી જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ગાંધીજીની જન્મ જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ગાંધી જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
પાલનપુરના જામપુરા ખાતે 32,000 મહિલાઓ સહિત રાજ્યની 5 લાખ મહિલાઓએ એક સાથે હેન્ડવોશનો પ્રયોગ કરીને સ્વચ્છતાના સંકલ્પ લીધા હતા. આવનારી પેઢીઓ બાપુના જીવનમાંથી પ્રેરણા મેળવે અને સ્વચ્છતાને ગુરૂમંત્ર બનાવી વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા પોષણ અભિયાન ચલાવવામાં આવે છે. આમ અનેકવિધ અભિયાન સ્વરૂપ કામગીરીના લીધે ગુજરાત મોડેલની સમગ્ર દેશ અને દુનિયામાં પ્રશંસા થાય છે. તેમ વાસણભાઇ અહિરે જણાવ્યું હતું.
પાલનપુર ખાતે મહિલાઓ દ્વારા ગાંધી જયંતીની અનોખી ઉજવણી કરાઈ આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના 11 નવા નંદઘરનું ઇ-લોકાર્પણ અને 22 નંદઘરોનું ઇ-ભૂમિપૂજન તથા નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેમજ આંગણવાડી કેન્દ્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પાલનપુર ઘટક-4 તાલેપુરા કેન્દ્રના આંગણવાડી કાર્યકર રમીલાબેન વણસોલા અને તેડાગર બહેન નૂરજહાં શેખનું પ્રધાન વાસણભાઈ આહીરના હસ્તે માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ ઠાકોર, જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઇ દવે, પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.