- બનાસકાંઠા જિલ્લામાં પશુઓની હેરાફેરીનું નેટવર્ક
- ડીસામાંથી 258 ઘેટાં-બકરા બચાવ્યા
- પોલીસે નોંધી 7 લોકો સામે ફરિયાદ
બનાસકાંઠાના ડીસામાંથી 258 ઘેટાં-બકરા ભરીને કતલખાને જતી ટ્રક ઝડપાઈ
બનાસકાંઠા:જિલ્લામાં રાજસ્થાન બોર્ડર પરથી રોજે-રોજ અનેક પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ઝડપાઈ રહી છે. ખાસ કરીને તો બનાસકાંઠા જિલ્લો અને રાજસ્થાન અડીને આવેલા હોવાની કારણે રોજે-રોજ રાજસ્થાનમાંથી અનેક પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી છે, પરંતુ કેટલીકવાર જીવદયા પ્રેમીઓની અંગત બાતમીના આધારે મોટા પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લામાંથી પશુઓને બચાવવામાં આવે છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં લાખો પશુઓને જીવદયા પ્રેમીઓ દ્વારા બચાવવામાં આવ્યા છે.
ડીસામાંથી 258 ઘેટાં-બકરાને બચાવવામાં આવ્યા
ડીસામાં માર્કેટયાર્ડ ત્રણ રસ્તા પાસેથી આજે શનિવારે ઘેટાં-બકરા ભરેલી ટ્રક કતલખાને જઇ રહી હતી. દિયોદરના સેસણ ગામેથી ઘેટાં-બકરા ભરીને અમદાવાદના રાણીપ ખાતે આવેલ મંડીમાં ટ્રક જઈ રહી હોવાની માહિતી મળતા, ડીસાના જીવદયા પ્રેમીઓએ પોલીસને સાથે રાખી માર્કેટયાર્ડના ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન દિયોદર તરફથી આવી રહેલી એક શંકાસ્પદ ટ્રકને રોકાવી તેની તપાસ કરતાં તેમાં ખીચો-ખીચ 258 ઘેટાં-બકરા ભરેલાં હતા.
7 લોકો સામે ફરિયાદ
આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે 258 ઘેટાં-બકરા ભરેલી ટ્રક જપ્ત કરી હતી અને ચાલક સહિત ટ્રકમાં સવાર ઘેટાં-બકરાની ખરીદ વેચાણનો ધંધો કરતો હતો. 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ સાતેય લોકો સામે ડીસા દક્ષિણ પોલીસે પશુ ક્રુરતા અધિનિયમ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે, જ્યારે તમામ ઘેટાં-બકરાને સાચવણી માટે ડીસા પાસે આવેલ કાંટ પાંજરાપોળને સોંપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડીસા કાંટ પાંજરાપોળના સંચાલક ભરત કોઠારીના અવસાન બાદ જિલ્લામાં જીવદયા પ્રેમીઓ સક્રિય થયા છે અને આજ મહિનામાં ચોથી વાર કતલખાને જતા અબોલ જીવોને બચાવી પાંજરાપોળને સોંપ્યા છે. તથા સ્વ. ભરતભાઈ જીવદયાની કામગીરીને વેગવંતી બનાવી છે.