બનાસકાંઠાઃ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ગામ રતનગઢના વતની ગોવિંદભાઇ ચૌધરી ખેડૂતની સાથે પત્રકારત્વના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. જે લોકડાઉનમાં લોકોના ઘરે જઈને તેમને જોઈતી દવા પહોંચાડવાનું કામ કરી રહ્યાં છે. અત્યારસુધીમાં તેમણે 100થી વધુ લોકોને આ પ્રકારની મદદ કરી છે.
ગંભીર બિમારી ધરાવતા દર્દીઓને ઘેર જઇ દવા પૂરી પાડતો સેવાભાવી યુવાન કોરોના વાઈરસ કોવિડ-19ની વૈશ્વિક મહામારીમાં સરકારી તંત્રથી લઇ ગ્રામ્ય કક્ષાએ નાના માણસો પણ અદભૂત કામગીરી કરી રહ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય, પોલીસ, પેરામેડીકલ સ્ટાફ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ રાત-દિવસ અથાક મહેનત કરી રહ્યા છે.
આ ઉપરાંત સ્વૈચ્છીક સંસ્થાઓ, દાતાઓ, સામાજિક કાર્યકરો અને અનેક સેવાભાવી યુવાનો આ મહામારીમાં પોતાના જાનના જોખમે લોકોને મદદરૂપ બની રહ્યા છે. આજે આપણે એક એવા માણસની વાત કરવી છે કે, જે લોકડાઉનમાં અનેક લોકોને મદદરૂપ બની નિસ્વાર્થભાવે પોતાની સેવા ગામના લોકોને આપે છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નાનકડા ગામ રતનગઢના વતની ગોવિંદભાઇ ચૌધરી ખેડૂતની સાથે પત્રકારત્વના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. તેઓ અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે. લોકડાઉન થયા પછી રતનગઢ ગામના ગમાલભાઇ પ્રજાપતિએ ગોવિંદભાઇને વાત કરી કે, મારે પાટણની દવા ચાલે છે. હાલમાં તો લોકડાઉન છે કેવી રીતે દવા લેવા જવું. તેઓ મુંઝવણમાં હતા. તેવા સમયે ગોવિંદભાઇને વિચાર આવ્યો કે આવી નાની મોટી બિમારીથી પિડાતા કેટલાંય લોકોને પાટણથી દવા લાવીને તેમના ઘેર જ પહોંચાડી દઉ..
પાટણ જવા માટે જિલ્લાની સરહદ બદલાય એટલે પોલીસ પણ રોકે તો દવા કઇ રીતે લાવવી. આ વિચારે તેમને બિમાર લોકોને મદદરૂપ થવાની નવી દિશા આપી. તેઓ પત્રકારત્વના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સારૂ સંકલન હોવાથી આપાત્તકાલીન સેવાનો પાસ મેળવી લીધો. તેઓ સવારે વહેલાં બિમાર વ્યક્તિઓના ઘેર ઘેર ફરી દવાની ફાઇલ મેળવી લેતાં અને 9.00 વાગ્યાના સુમારે પોતાનું બાઇક લઇ પાટણ જવા નીકળી જાય. બપોરે- 12.00 વાગ્યા સુધીમાં તો પરત આવી જાય અને જે દર્દીઓએ દવા મંગાવી હોય તેમના ઘેર દવા પહોંચી જાય...
દવા લેવા જવા માટે બાઇકમાં પોતાનું પેટ્રોલ બાળવાનું, દર્દી પાસેથી માત્ર બીલમાં હોય એટલાં જ રૂપિયા લેવાના આવી સેવા તેઓ સતત બજાવી રહ્યા છે. અત્યાર સુધી કાંકરેજ વિસ્તારના 100 થી વધુ વ્યક્તિઓને તેમણે આ રીતે દવા લાવી તેમના ઘર સુધી પહોંચાડી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
ખેડૂતપુત્ર ગોવિંદભાઇએ આ સમય દરમિયાન અનેક લોકોને ફોનથી અથવા રૂબરૂ મળીને તેમની મુશ્કેલીઓ જાણી મદદરૂપ બન્યા છે. ખેડૂતોને ખાતર લાવવામાં તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર સાથે રહી ખાતર પહોંચાડવામાં પણ મદદરૂપ થયા છે. જે લોકો ગરીબ અને નિરાધાર છે તેવા લોકોને રાશન કીટનું પણ વિતરણ કર્યુ છે.
ગંભીર બિમારીવાળા દર્દીઓને દવાખાને જવા માટેના વાહન પાસ અને દર્દીઓના સગાઓના પાસની પણ તેમણે વ્યવસ્થા કરાવી છે.નાણોટા ગામના કેન્સરની ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિની દ્વારકાથી દવા લાવવાની હોઇ કાંકરેજ મામલતદાર પાસેથી વાહન પાસ મેળવી દ્વારકા વાહન મોકલી દવા લાવી આપવામાં તેઓ મદદરૂપ બન્યા છે.
કાંકરેજ વિસ્તારમાં તેમની સેવાઓને લોકો બિરદાવી રહ્યા છે. સામાજિક કાર્યકર યુવાન ગોવિંદભાઇ ચૌધરીએ કોરોના યોધ્ધા બની કોઇપણ સ્વાર્થ વિના માત્ર સેવાના ભાવથી આ કામગીરી કરી હોવાથી કાંકરેજ વિસ્તારના લોકો તેમની સેવાને સલામ કરે છે. સામાજિક સેવા એ તેમનો મનગમતો વિષય છે એટલે કોઇપણ વ્યક્તિને મુશ્કેલીના સમયમાં તેમની મદદે તેઓ પહોંચી જાય છે.