- 8 માસની દિકરીની માતાની 108 એમ્બ્યુલન્સ વાનમાં અનોખી સેવા
- કોરોના કાળમાં માતાની ભૂમિકા પિતા નિભાવી રહ્યા છે
- બનાસકાંઠા જિલ્લામાં અનેક કોરોના વોરિયર્સ પરિવારથી દૂર રહી કરી રહ્યા છે સેવા
બનાસકાંઠા:સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે, બનાસકાંઠા જિલ્લામાં પણ દિવસેને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં તેજીથી વધારો થઇ રહ્યો છે. ત્યારે, આ મહામારી દરમિયાન કેટલાંક વોરિયર્સ કોરોના પોઝિટિવ દર્દીઓની વચ્ચે રહી પોતાના જીવના જોખમે દર્દીઓની સેવા કરતા હોય છે. આવા કોરોના વોરિયર્સ પોતાના પરિવાર કે બાળકોની પરવા કર્યા વગર તેમનાથી દૂર રહી દર્દીઓની સેવા કરી રહ્યા છે. ત્યારે, પાલનપુરના ચંડીસર 108 એમ્બ્યુલન્સ કેન્દ્ર પર ફરજ બજાવતા મહિલા આરોગ્યકર્મી જાહેદાબેન સિપાઈ આજે સાચા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે સાબિત થઈ રહ્યા છે.
આ પણ વાંચો:પાલનપુરમાં બનાસડેરી સંચાલિત કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન મશીન લગાવાયું
8 માસની દિકરીથી અલગ રહી 108 એમ્બ્યુલન્સમાં ફરજ પર
ચંડીસર ગામના જાહેદાબેન પોતાની 8 માસની માસુમ બાળકીથી દૂર રહીને 108 એમ્બ્યુલન્સમાં દર્દીઓની સેવા કરી રહ્યાં છે. જે પ્રમાણે દર્દીને પણ વોરિયર્સની મદદની જરુર હતી તેવા સમયે જાયદાબેને પોતાની બાળકીને પોતાનાથી દૂર કરી અને પોતાની ફરજ પર હાજર થઈ ગયાં હતા. અત્યારે, પણ તેઓ બાળકી સહિત પરિવારથી દૂર રહી ઘરે ગયા વગર સતત 108માં સેવા આપી રહ્યા છે. આ દરમિયાન, જો પોતાની દીકરીને જોવાની ઈચ્છા થાય તો દૂરથી જોઈને સંતોષ માની લેશે. આ ઉપરાંત, જો ઇમરજન્સી ન હોય તો દીકરીને સ્થળ ઉપર જ બોલાવીને કાળજી રાખીને ફિડિંગ કરાવી દે છે.