બનાસકાંઠા જિલ્લામાં મંદીની સાથે સતત કમોસમી માવઠાથી અને કુદરતી આફતથી ખેડૂતો પાયમાલ બની ગયા છે. તેમ છતાં પણ ખેડૂતોએ દેવું કરીને પણ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું. તેમાં પણ 12મી ડીસેમ્બરે કમોસમી માવઠાએ વાવેતરને વ્યાપક નુકસાન કર્યું હતું. એટલું ઓછું હોય તેમ છેલ્લા દસ દિવસથી પાકિસ્તાનથી રાજસ્થાન અને ત્યાંથી બનાસકાંઠા જિલ્લામાં તીડે આક્રમણ કરતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
બનાસકાંઠા જિલ્લામાં તીડ આક્રમણ માટે જિલ્લાકક્ષાએ બેઠક યોજાઈ જેમાં છેલ્લા બે દિવસથી તીડના ઝુંડે લાખણી પાલનપુર અને ડીસા પંથકમાં ખેતી પાક પર હુમલો કરતાં ખેડૂતો હતપ્રભ બની ગયા છે. ખેડૂત પરિવારો થાળી ,તગારા વગાડી, ક્યાંક બંદૂકના ભડાકા કરી તો ક્યાંક ફટાકડા ફોડી તેમનો મહામૂલા પાકને બચાવવા મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે. તેમ છતાં પણ તીડ પાક પર આક્રમણ ચાલુ રાખતા ખેડૂતોના મોતિયા મરી ગયા છે.
સતત કુદરતી આફતો ખેડૂતો માટે પડતા પર પાટુ સમાન પુરવાર થયેલ છે. છેલ્લા એક અઠવાડિયાથી તીડો ખેતીના પાકોને નુકસાન પહોંચાડી રહ્યાં છે. જેના કારણે ખેડૂતોનો આક્રોશ હવે ચરમસીમા વટાવી ગયો છે. ત્યારે ખેડૂતોના હિતમાં સરકાર વધુ એકવાર નિષ્ફળ નિવડી હોવાના કોંગ્રેસના ધારાસભ્યએ આક્ષેપ કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વારંવાર નુકસાન થઈ રહ્યું છે. અગાઉ પણ કમોસમી માવઠાને કારણે તેમજ યોજનાઓના કારણે નુકસાન થઈ ચૂક્યું છે. ત્યારે હવે આ વખતે ફરી તેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જે મામલે રાજ્ય સરકાર પણ ચિંતિત છે. તેમજ નુક્શાનીનો સર્વે કરી ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેશે.
આ બાબતે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, એક તરફ તીડના આક્રમણના કારણે બનાસકાંઠા જિલ્લાના સાત જેટલા તાલુકાઓને તીડે બાનમાં લીધા છે. તેમજ તંત્ર અને ખેડૂતોના પ્રયાસ કરવા છતાં પણ તીડનું આક્રમણ ચાલુ રહ્યું છે. જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ મામલે તંત્ર પણ વધુ ટીમો ઉતારી તીડના નાશ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.