વિવાદ અને ડીસા નગરપાલિકાને જૂનો સંબંધ છે, ત્યારે એકવાર ફરી આ વાક્ય સાચું પડ્યું હતું. ડીસા નગરપાલિકાના સભાખંડમાં પાલિકાની ચાર માસિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ વાત અલગ છે કે સાધારણ સભા દરમિયાન વિપક્ષના સભ્યોની ગેરહાજરી જોવા મળી હતી. પરંતુ વિપક્ષની ભૂમિકા શાસક પક્ષના સભ્યોએ જ નિભાવી હતી.
ડીસા નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ - નગરપાલિકામાં વિકાસને લઈ સાધારણ સભા
બનાસકાંઠાઃ ડીસા નગરપાલિકા ખાતે આજે સાધારણ સભા યોજાઈ હતી. વિપક્ષ સભ્યોની ગેરહાજરીમાં યોજાયેલી આ સાધારણ સભામાં વિપક્ષની ભૂમિકા શાસક પક્ષના સભ્યોએ જ નિભાવી હતી.
સાધારણ સભાની શરૂઆત સાથે જ અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવેલા એજન્ડાને શાસક પક્ષના સભ્યોએ જ વિરોધ શરૂ કરી દીધો હતો. આ ઉપરાંત ડીસા નગરપાલિકાની સાધારણ સભા શરૂ થાય તે પહેલા પૂર્વ પાલિકાના ઉપપ્રમુખ ડીસા નગરપાલિકા કચેરીમાં હાજર જોવા મળ્યા હતા.
પરંતુ સાધારણ સભાની શરૂઆત થતાં જ ઉપપ્રમુખ પાલિકા કચેરી છોડીને જતા રહ્યા હતા. પાલિકાના ઉપપ્રમુખની સાધારણ સભામાં ગેરહાજરી હોવાથી અનેક તર્ક-વિતર્કો સર્જી રહી છે. આ ઉપરાંત શાસક પક્ષના સભ્યોએ પણ પાલિકામાં અલગ અલગ મુદ્દાને લઇ ઉગ્ર રજૂઆતો કરી હતી. જેમાં પાલિકાની ડમ્પિંગ સાઇટ પરથી નીકળી ભંગારનો મુદ્દો, ગુલવાણી નગરના રસ્તાનો મુદ્દો, સફાઈનો મુદ્દો અને નવીન બગીચાનો મુદ્દો ચર્ચામાં જોવા મળ્યો હતો. અને આવા મુદ્દાઓને લઇ પાલિકાની બોડીના સભ્ય જ પાલિકા પ્રમુખને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.