- પાલનપુર તાલુકાના મોરીયા ગામે બનાસડેરીની સાધારણ સભા યોજાઈ
- બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષાએ સાધારણ સભા યોજાઈ
- પશુપાલકો માટે 14.18 ટકા જેટલો માતબર ભાવ ફેર આપી પશુપાલકોને રાહત આપી
બનાસકાંઠા: એશિયાની નંબર વન ગણાતી બનાસ ડેરી (Banas dairy) દ્વારા દર વર્ષે પશુપાલકો (Pastoralists) માટે મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે. જેના કારણે દર વર્ષે પશુપાલકો (Pastoralists) ને દૂધના ઉત્પાદનમાંથી સારી એવી આવક મળે છે. બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લાના ખેડૂતોને વારંવાર ખેતીમાં નુકસાન થતા હવે ખેડૂતો પશુપાલન (Animal Husbandry) તરફ વળ્યા છે અને દર વર્ષે દૂધમાંથી સારી આવક પણ મેળવી રહ્યા છેે. બનાસકાંઠા જિલ્લામાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની સ્થાપના થઈ છે, ત્યારથી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો (Pastoralists) ને ખેતી કરતા પણ દૂધમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. જિલ્લાના પશુપાલકો માટે હાલમાં બનાસ ડેરી (Banas dairy) આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે.
પશુપાલન ક્ષેત્રે બનાસ ડેરીની પ્રગતિ
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની બુધવારે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. વાર્ષિક સાધારણ સભાને લઈને પશુપાલકો વધુ ભાવ વધારો મળશે તે માટે મીટ માંડીને બેઠા હતા. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા વાર્ષિક સાધારણ સભામાં અનેક જાહેરાત કરવામાં આવી હતી જેમાં બનાસ ડેરીએ પશુપાલકો માટે 14.18 ટકા જેટલો માતબર ભાવ ફેર આપી કોરોના મહામારી વચ્ચે પણ પશુપાલકોને રાહત આપી છે. બનાસ ડેરીનો સણાદર ખાતેનો નવો પ્લાન્ટ ડિસેમ્બર સુધી કાર્યરત થઈ જશે. જ્યારે બનાસ ડેરી નવો FPO બનાવી કૃષિપેદાશોનું વેલ્યુએડીશન કરશે. જ્યારે મંડળી અને ડેરી પાછળ વર્ષે થતાં 200 કરોડનો ખર્ચ ઘટાડવા બનાસ ડેરી સહકારી ધોરણે વીજળી ઉત્તપન્ન કરશે. બનાસકાંઠામાં ઉત્પાદન થતાં બટાકાની પ્રોસેસિંગ વેરાયટી બનાવી તેને બજારમાં મુકવામાં આવશે.