બનાસકાંઠા : એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને ભૂતપૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. બનાસડેરીની ચૂંટણીઓ ટૂંક સમયમાં જ થવાની છે, ત્યારે ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કૌભાંડો કર્યા હોવાના આક્ષેપ સાથે નનામી પત્રિકાઓ વહેતી થઇ છે. ચૂંટણી નજીક આવે તે પૂર્વે જ બનાસડેરી રાજકારણ પર ગરમાયુ છે.
બનાસ ડેરીમાં કથિત કૌભાંડની નનામી પત્રિકાઓ વહેતી થતા ફરિયાદ નોંધાઈ
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં કથિત કૌભાંડની નનામી પત્રિકાઓ વહેતી થઇ છે. જે મામલે પ્રતિષ્ઠા સામે સવાલ ઉઠતા બનાસડેરીએ પણ નનામી પત્રિકાઓ મોકલનાર અજાણ્યા શખ્સો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
બનાસ ડેરીમાં કથિત કૌભાંડની નનામી પત્રિકાઓ વહેતી થતા ફરિયાદ નોંધાઈ
બનાસકાંઠામાં છેલ્લા એક અઠવાડિયાથી નનામી પત્રિકાઓ ફરતી થઈ છે. જેમાં ચેરમેન શંકર ચૌધરીએ 340 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની વિગતવાર માહિતી દર્શાવવામાં આવી છે અને આ તમામ પત્રિકાઓ બનાસડેરીના મંત્રીઓ સભાસદો સહિત ડેરીના સંલગ્ન તમામ લોકોના ઘરે મોકલવામાં આવી છે, ત્યારે આવી પત્રિકાઓથી બનાસ ડેરીની પ્રતિષ્ઠાને નુકસાન થતું હોવા મામલે ડેરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પાલનપુર તાલુકા પોલીસ મથકે પત્રિકા વહેતી કરનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.