- બનાસકાંઠા જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો
- ધાનેરામાંથી વધુ એક બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતો ઝડપાયો
- લાખો રૂપિયાની નશાની દવાનો જથ્થો ઝડપાયો
- બોગસ તબીબો સામે કડક કાર્યવાહી કરવા લોકમાંગ
બનાસકાંઠાઃ જિલ્લામાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. એક તરફ ડોક્ટરો આયુર્વેદિક ડોક્ટરોના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે, તો બીજી તરફ ગેરકાયદેસર ડોક્ટરો ગ્રામીણ વિસ્તારોમાં પ્રેક્ટિસ કરતા ઝડપાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં ખાનગી રાહે પ્રેક્ટિસ કરતા ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બોગસ ડોક્ટરો નાની મોટી હોસ્પિટલો ખોલી લોકોની સારવાર કરતા લોકોની ફરિયાદના આધારે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા આવા ડોકટરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે વારંવાર જડપાતા ગેરકાયદેસર ડોક્ટરોના કારણે ચોક્કસ કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ડોકટરોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ધાનેરામાંથી વધુ એક બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતો ઝડપાયો
ધાનેરાના મોટી ડુગડોલ ગામે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દવાઓનું વેચાણ કરી બોગસ પ્રેકટીસ કરતો હોવાની ફરિયાદો મળતા જ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે આજે દરોડા પાડયા હતા અને મોટી ડુગડોલ ગામે મુકેશ ડાભી નામનો શખ્સ ગેરકાયદેસર પ્રેક્ટિસ કરી ખુલ્લેઆમ દવાઓનું વેચાણ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આરોગ્ય વિભાગની ટીમે આ બોગસ તબીબના ક્લિનિકમાંથી મોટી માત્રામાં નશાની દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે, તેમજ આ બોગસ તબીબ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક મહિનામાં નિયમો મુજબ રજીસ્ટર ન નિભાવતા ગાયનેક હોસ્પિટલમાં 4 જેટલા સોનોગ્રાફી મશીન સીલ કર્યા છે, તેમજ ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા તબીબો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને પગલે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો છે.