બનાસકાંઠાઃ ભારતની ભૂમિએ સંતો અને મહંતોની ભૂમિ ગણાય છે. અહીં અત્યાર સુધીમાં અનેક સંતો અને મહંતો એવા પણ થઈ ગયા છે કે, જેમની ભક્તિ સામે વિવશ બની ભગવાને ખુદ ધરતી પર આવવું પડ્યું છે અને તેમના ભક્તોની અડગ શ્રદ્ધા અને કઠોર ભક્તિ સામે ઝૂકી તેમની મનોકામના પૂર્ણ કરવી પડી છે. અત્યારે સમગ્ર વિશ્વ પણ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાના ડુંગરાળ વિસ્તાર એવા અમીરગઢ પાસે આવેલા અવાળા ગામમાં એક મહંતે પણ આ મહમારીથી વિશ્વને બચાવવા કઠોર ભક્તિ શરૂ કરી છે.
કોરોના વાઈરસથી વિશ્વને મુક્તિ અપાવવા આમીરગઢમાં કાંટાની પથારી - કોરોના વાયરસ ઈન ગુજરાત
બનાસકાંઠાના ડુંગરાળ વિસ્તાર એવા આમીરગઢ પાસે એક મંદિરમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી વિશ્વને મુક્તિ અપાવવા માટે એક મહંતે કાંટાની સૈયા બનાવી તેના પર ભગવાનની ભક્તિ શરૂ કરી દીધી છે. કોરોના વાયરસ સામે જંગ જીતવા માટે કંટાળી પથારી પર ભગવાનને ભજી રહ્યા છે.
નાગાબાવા મહંત જગદીશપુરી જેઓ રાજસ્થાન વિસ્તારમાંથી અહીં અવાળા ગામમાં હનુમાનજી મંદિરમાં રહે છે. અને લોકો દ્વારા આપવામાં આવતી ભિક્ષાથી ગુજારો ચલાવે છે. આમતો સંસારનો ત્યાગ કરીને બનેલા નાગાબાવાનું જીવન કઠોર ભક્તિમાજ પૂરું થાય છે, ત્યારે છેલ્લા 2 મહિનાથી દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે આ મહંત દ્વારા પણ અતિ કઠોર ભક્તિ શરૂ કરી છે. તેમણે 21 દિવસ સુધી રોજ 4 કલાક કાંટાની પથારી પર ભક્તિ કરવાનું શરૂ કર્યું છે. એ પણ બે બે ઇંચના મોટા કાંટાની પથારી કોઈ વ્યક્તિને સામાન્ય કાંટો વાગે તો પણ બે દિવસ સુધી દુખાવો થતો હોય છે. ત્યારે આ મહંત માત્ર એક લંગોટના સહારે કાંટાની પથારી પર બેસી રોજ 4 કલાક ભગવાનની ભક્તિ કરે છે અને તે પણ વિશ્વના કલ્યાણ માટે.
આ મહંતની ભક્તિ જોઈ લોકો અને ગ્રામજનો પણ દંગ રહી ગયા છે, અને આવી કઠોર સાધનાથી કોરોના વાયરસથી લોકોને ચોક્કસ મુક્તિ મળશે તેમ માની રહ્યા છે.