સરકાર દ્વારા બનાસકાંઠાના રણની કાંધી આવેલા ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવા માટે છેવાડાના ગામો સુધી કેનાલનું નેટવર્ક પાથરી દીધું છે. પરંતુ, આ કેનાલો બનાવવામાં શરૂઆતથી જ ભ્રષ્ટાચાર થયો હોઇ તેવું લાગી રહ્યું છે. નહેરોમાં પાણી છોડવાની સાથે જ વારંવાર કેનાલો તૂટી જવી અને મોટા ગાબડા પડવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે. જેથી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળવાથી કેનાલના પાણીથી ખેતી કરતા ખેડૂતોને કૃષિ ઉપજ કરતા વધુ નુકસાન થઈ રહ્યું છે. અવારનવાર પડતા ગાબડાં તંત્રના ધ્યાને હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી.
વાવ પાસેની કેનાલમાં ગાબડુ પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા - સિંચાઈ અને પીવાનું પાણી
બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારોમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. જેમાં વાવ તાલુકાની સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં અવાર-નવાર પડતાં ગાબડા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. આજે ફરી કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાં 25થી વધુ એકર જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોનો ઊભો પાકનો નાશ થયો હતો.
આજે પણ વાવની સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડતાં 25 એકર જમીનમાં પાણી ફરી વળ્યું હતું અને ખેડૂતોના ઉભા પાક પાણીમાં ગરકાવ થઇ જતા નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટ્રી કેનાલ બની ત્યારથી અત્યાર સુધી લગભગ 10 વાર ગાબડા પડ્યા છે. જેના કારણે ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વારંવાર કેનાલોમાં ગાબડાં પડવાથી લાખો લિટર પાણીનો વેડફાટ સાથે ખેતી પાકોને પણ ભયંકર નુકસાન થાય છે. આ બાબતે ખેડૂતોએ અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં કેનાલના મજબૂતીકરણ માટે સરકાર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે, સરકાર કેનાલમાં પડતા ગાબડાથી ખેડૂતોને થતા વારંવાર નુકશાન માંથી મુક્તિ ક્યારે અપાવશે તે જોવું રહ્યું.