બનાસકાંઠા: જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સતત બજારોમાં વધી રહેલા લોકોના સંક્રમણના કારણે હાલ બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોના વાઇરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં આજે વધુ ચાર કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.
બનાસકાંઠામાં વધુ 4 લોકોના કોરોનાથી મોત, મૃત્યુ આંક પહોંચ્યો 47 પર - સંક્રમણમાં વધારો
બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના વાઇરસના કારણે આજે ગુરુવારે વધુ 4 દર્દીઓના પાલનપુર અને ડીસા ખાતે મોત નિપજ્યા છે.
જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. 30થી 40 જેટલા નવા કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે કોરોના વાઇરસ દર્દીઓની સંખ્યા અત્યાર સુધી 803 પર પહોંચી ગઇ છે. જેમાં આજે ગુરુવારે વધુ ચાર કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ દર્દીઓ જ્યારે ડીસાની કોવિડ હોસ્પિટલમાં પણ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થતાં કુલ ચાર દર્દીઓના મોત થયા છે. આ સાથે જ બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો મોતનો આંક 47 પર પહોંચ્યો છે.
આ તમામ પરિસ્થિતિમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો કોરોનાનો વધુ શિકાર થયા છે. સરકારે ઉંમરલાયક લોકોને હોમ કોરોન્ટાઇન જ રહેવાની સૂચના આપી હોવા છતાં પણ આવા લોકો બજારમાં અથવા અન્ય કોઇ રીતે કોરોના વાઇરસના સંપર્કમાં આવતા જ તેઓ પણ તેનો શિકાર થાય છે અને અન્ય બીમારીઓ હોવાના કારણે તેઓનું મોત થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.