બનાસકાંઠાઃ જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો હોવાના કારણે મોટાભાગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ખાસ કરીને સૌથી વધારે રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં પહોંચાડવામાં આવે છે.
3 પરપ્રાંતીયોની દારૂ અને પિસ્તોલ સાથે ધરપકડ લોકડાઉન ખુલતાની સાથે જ બુટલેગરો સક્રિય બન્યા છે અને ચેક પોસ્ટ પોલીસની આંખોમાં ધૂળ નાખી મોટા પ્રમાણમાં દારૂ લાવી રહ્યા છે. ગત એક મહિનામાં બનાસકાંઠા જિલ્લા પોલીસે કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે, ત્યારે ધાનેરા પોલીસે વાહન ચેકિંગમાં દરમિયાન 3 શખ્સની દારૂ, બીયર અને પિસ્તોલ સાથે ધરપકડ કરી છે.
મગરાવા ગામ પાસેથી 3 પરપ્રાંતીયોની દારૂ અને પિસ્તોલ સાથે ધરપકડ મળતી માહિતી મુજબ, પોલીસ ચેકિંગ દરમિયાન મગરાવા ગામ પાસે રાજસ્થાન તરફથી આવી રહેલી એક શંકાસ્પદ કારને ઉભી રખાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતાં કારમાંથી બીયર અને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારમાં બેઠેલા 3 શખ્સોની પણ તપાસ કરી હતી. જેમાં એક પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 2 કારતૂસ પણ મળી આવ્યાં હતાં. જેથી પોલીસે દારૂ, પિસ્તોલ અને કાર સહિત 3.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે કારમાં બેઠેલા રાજસ્થાની ત્રણ યુવકો ભભુતારામ જાટ, રાયચંદ જાટ અને મુકેશ જાટની અટકાયત કરી પ્રાથમિક તપાસ કરતાં આ ત્રણેય શખ્સો રાજસ્થાનથી ડીસા તરફ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.