- ડીસામાં વધતા જતા કોરોના વાઈરસના કેસના કારણે દર્દીઓ પરેશાન
- ડીસાના ધારાસભ્યએ સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત
- તમામ કોરોના દર્દીઓને સારવાર મળી રહેશે
બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ ભયંકર જોવા મળી રહી છે. રોજે-રોજ હજારોની સંખ્યામાં ગુજરાતભરમાં કોરોના વાઈરસના દર્દીઓ સામે આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હાલ શહેરી વિસ્તારમાં સૌથી વધુ કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ ડીસા અને પાલનપુરમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસોના કારણે ડીસાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે.
ડીસામાં વધતા જતા કોરોના વાઈરસના કેસના કારણે દર્દીઓ પરેશાન આ પણ વાંચો:ડીસામાં કોરોના વાઈરસ સામેની લડાઈમાં જોડાયેલા આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરાયું
અત્યારથી જ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે
હાલમાં ડીસા શહેરમાં આવેલી અનેક હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની વ્યવસ્થા ન હોવાના કારણે દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા ડીસામાં અનેક સંસ્થાઓએ પણ હવે આગળ આવવું પડે છે અને અત્યાર સુધી અનેક સંસ્થાઓએ 50થી પણ વધુ બેડની વ્યવસ્થા કરી આપી છે, ત્યારે સતત વધતા જતા કોરોના વાઈરસના કેસના કારણે હજુ પણ આગામી પરિસ્થિતિ ગંભીર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારથી જ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં વધતા જતા કોરોના કેસને લઈને 5 દિવસ માટે ડીસા સ્વયંભૂ બંધ
કોરોના દર્દીઓને સારવાર મળી રહે તે માટે 200 બેડની વ્યવસ્થા ઉભી કરાશે
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં રોજે-રોજ વધારો થઈ રહ્યો છે. ડીસા તાલુકામાં પણ રોજના 70થી 80 જેટલા કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. જેની સામે હવે હોસ્પિટલોમાં જગ્યા પણ ખૂટી પડી છે. આ દર્દીઓની પરિસ્થિતિ જોતા અને કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને મળી રહેલી સારવાર અને સુવિધાઓની રૂબરૂ મુલાકાત લેવા માટે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા સરકારી કોવિડ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, નગરપાલિકા પ્રમુખ તેમજ ડોક્ટરની ટીમ સાથે બેઠક યોજી હતી.
200 બેડની સુવિધા ઉભી કરવા માટેનું આયોજન કરાયું
સરકારી હોસ્પિટલમાં જગ્યા ઓછી અને કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તાત્કાલિક ધોરણે નવી 200 બેડની સુવિધા ઉભી કરવા માટેનું આયોજન કરાયું છે. જેમાં ડીસાની ભણસાલી હોસ્પિટલમાં 50 બેડની સુવિધા, નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં 100 અને જનતા હોસ્પિટલમાં વધુ 50 બેડની ઓક્સિજન લાઈન સાથેની વ્યવસ્થા ઊભી કરી સારવાર માટે આવતા દર્દીઓને રઝળવું ન પડે અને પૂરતી સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેમ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું.