ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર થરા પાસે એક બેફામ બનેલા કારચાલકે રાહદારીઓની અડફેટે લેતા 2ના ઘટના સ્થળે જ મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં થરા હાઈવેની બાજુમાંથી રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક કાર ચાલક બેફામ રીતે કાર ચલાવીને આવી રહ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા રાહદરીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, 2ના મોત 8 ઘાયલ
બનાસકાંઠા: ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર થરા નજીક શનિવારે એક કાર ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી રોડ ક્રોસ કરવા જતા 10 રાહદારીઓને અડફેટે લીધા હતા. જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે આઠ લોકોને 108 એમ્બ્યુલન્સ વાનની મારફતે થરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં 10 જેટલા લોકો પરથી કાર ફરી વળતા એક બાળક સહિત 2 લોકો કાર નીચે કચડાઈ જતાં તેમના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 8 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી . આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતા ઘટનાસ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108ની મદદથી થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જ્યારે આ બનાવના પગલે થરા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડ્યા હતા.
જ્યારે બેફામ બનેલા કાર ચાલકની પણ અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, કારમાંથી દારૂ ભરેલી પાણીની બોટલ મળી આવી હતી અને કાર ચાલક પણ અકસ્માત સમયે નસામાં ધૂત હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.