બનાસકાંઠા જિલ્લામાં ATM ચોર ટોળકી તરખાટ મચાવી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપી રહી છે. પાલનપુરના બનાસડેરી રોડ પર અજાણ્યા તસ્કરોએ SBI ATMના આગળના ભાગે સેફ ડોર કાપી 19.61 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા અને મશીનને તોડી 2.50 લાખનું નુકસાન કર્યું હતું. સાથે બાજુમાં આવેલ IDBIનું પણ ATM મશીન પણ તોડવાનો તસ્કરોએ પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ થયા ન હતા.
પાલનપુરમાં ATM ચોર ટોળકીનો તરખાટ, 19.61 લાખની ચોરી કરી તસ્કરો ફરાર - ATM
બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુરમાં SBIના ATMને તોડી અજાણ્યા તસ્કરો 19.61 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી FSL અને ડોગ સ્ક્વોડની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજા દિવસે સવારે ATMમાંથી ચોરી થઈ હોવાની જાણ થતાં બેંક મેનેજર અને સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આ ચોરીની જાણ મેનેજરે પોલીસમાં કરતા પોલીસ સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ટ્રાન્જેક્શન સોલ્યુશન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના મેનેજર નરેન્દ્રસિંહ અટોદરિયાએ અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદથી ચોરને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ પાલનપુર, કણોદર અને રામપુરાના ATM માંથી ચોરી થઈ હતી. એક જ વર્ષમાં જિલ્લામાં 4 જગ્યાએ ATM ચોર ટોળકી હાથ અજમાવવામાં સફળ રહી છે. જેના આરોપીઓ હજુ પણ ફરાર છે. ત્યારે વધુ એક ચોરી કરી તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે પોલીસ હવે શું આ ચોરોનું પગેરું મેળવવામાં સફળ થશે કે, કેમ તે જોવું રહ્યું.