- બનાસકાંઠા જિલ્લાના 34 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ
- જિલ્લા કલેકટર આનંદ પટેલની મહેનતથી કોરોના મહાભિયાન સફળ
- કોરોના વાઈરસની ત્રીજી લહેરના ડરથી લોકો લઈ રહ્યા છે વેકશીન
બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસની મહામારી નાથવા માટે ગુજરાત સરકાર દ્વારા લોકોનું વધુમાં વધુ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધી ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કોરોના રસીકરણ સફળ જોવા મળી રહ્યું છે. કોરોના વાઈરસની બીજી લહેરમાં ગુજરાતમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. જે બાદ કોરોના વાઈરસની મહામારીમાં લોકો સુરક્ષિત રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કલેકટર આનંદ પટેલની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હાલમાં વધુમાં વધુ લોકો કોરોના રસીકરણ કરાવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના 34 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ
ગુજરાતમાં ભલેને લોકો રસીની અછતનો સામનો કરી રહ્યા હોય પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રસીકરણની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. તેના કારણે અત્યાર સુધીમાં 34 થી પણ વધુ ગામડાઓમાં રસીકરણની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત 37 લાખની વસ્તીમાંથી 18 થી વધુ ઉંમરના લોકોની સંખ્યા 27 લાખ જેટલી છે. તેમાંથી અત્યાર સુધી 9 લાખ જેટલા લોકોને રસી આપવામાં આવી છે. એટલે કે, અંદાજે 38 ટકા લોકોને રસીના બંને ડોઝ અપાય ગયા છે. તેમાં પાલનપુર, ડીસા, દિયોદર અને લાખણી તાલુકામાં રસીકરણ મામલે લોકોમાં ખૂબ જ જાગૃત છે અને તેના કારણે અત્યાર સુધીમાં 34 થી પણ વધુ ગામડાઓમાં આ રસીકરણની પ્રક્રિયા 100 ટકા પૂર્ણ થઇ ગઇ છે.
જિલ્લામાં સૌથી વધુ રસીકરણ ડીસા તાલુકામાં
હાલમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકોનું વધુમાં વધુ રસીકરણ કરવામાં આવી રહ્યુ છે, જેમાં સૌથી પ્રથમ ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં 100 ટકા વેક્સિનેશન થયું છે. આ ગામમાં અંદાજિત સંખ્યા 2 હજાર 435 છે. જેમાંથી 18થી વધુની ઉંમરના લોકોની સંખ્યા 1 હજાર 441 છે. તે તમામ લોકોને રસીના બંને ડોઝ અપાઈ જતા આ ગામમાં રસીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.