અરવલ્લી : ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજિસ્ટ્રેશન 1 ઓક્ટોબર એટલે કે ગુરૂવારથી રાજ્યભરમાં શરૂ થવાની છે. ત્યારે ગ્રામ પંચાયતમાં VCE તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને 1 ઓક્ટોબરથી ગ્રામ પંચાયતોમાં કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે VCE કર્મચારીઓએ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરી હતી.
અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળીના રજિસ્ટ્રેશન પૂર્વે ગ્રામ પંચાયતના VCE કર્મચારીઓએ કામથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી - groundnut at support price
અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજિસ્ટ્રેશન શરૂ થાય તે પહેલા ગ્રામ પંચાયતના VCE કર્મચારીઓએ કામથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ગ્રામ પંચાયતના VCE કર્મચારીઓએ પડતર માંગણી ન પૂરી થતા 1 ઓક્ટોબરથી ગ્રામ પંચાયતની કામગીરી ન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અરવલ્લી જિલ્લામાં આવેલી ગ્રામ પંચાયતોમાં વર્ષોથી વિલેજ કોમ્પ્યુટર એટરપ્રેન્યુઅર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ છેલ્લા 14 વર્ષથી કમિશન પર કામ કરી રહ્યા છે. આ કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ પગાર ધોરણ નક્કી કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતા યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે. જિલ્લામાં મગફળીના રજિસ્ટ્રેશન પહેલા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરટર દ્વારા કામગીરીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરટર્સની માગ છે કે, કોરોના મહામારીમાં તેમને વીમા કવચ પુરૂ પાડવામાં આવે, આ સાથે જ કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ નક્કી કરવામાં આવે તેમજ આ અગાઉ કરવામાં આવેલા PM કિસાન, કૃષિ સહાય, જન્મ-મરણ સહિતની નોંધણી મહેતાણું તાત્કાલિક કરવામાં આવે. આ ત્રણ માગને લઇને અરવલ્લી જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.