- સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સ્થાનિક મુદ્દાઓને લઇને હોય
- મતદારોને રાષ્ટ્રીય મુદ્દાઓ આકર્ષિત કરી શકતા નથી
- ઉમેદવારની લાયકાત કરતા તેની જ્ઞાતિ ને વધારે મહત્વ
અરવલ્લી :સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સ્થાનિક મુદ્દાઓને લઇને હોય છે. મતદારોને રાષ્ટ્રીય મુદ્દાઓ આકર્ષિત કરી શકતા નથી. મતદારોને પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ જોઇએ છે. દેશમાં શું બની રહ્યુ છે, તે મુદ્દો ગૌણ બની જાય છે.પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસમાં ભાવ વધારો થયો છે. તેમ છતાં આ મુદ્દાઓ, મતદારો પર જોઇએ તેટલી અસર કરી શકતા નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જ્ઞાતિગત સમીકરણો બહુ મહત્વ નો ભાગ ભજવે છે. રાજકીય પક્ષો પણ ઉમેદવારની લાયકાત કરતા તેની જ્ઞાતિ ને વધારે મહત્વ આપે છે. આ ઉપરાંત ઉમેદવાર જો સ્થાનિક હોય તો મતદારો ને પ્રભાવિત કરી શકે છે. આયાતિ ઉમેદવારને કેટલીક વખતે મતદારોનો રોષ નું ભોગ બનવુ પડતું હોય છે.
રાજકીય પક્ષો પાસે કોઇ જ્વલંત મુદ્દો નથી
અરવલ્લી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં રાજકીય પક્ષો પાસે કોઇ જ્વલંત મુદ્દો નથી. ઉમેદવારે પોતાના દમ પર જીત મેળવી પડશે તેવુ લાગી રહ્યું છે. ભાજપે આ વખતે પેજ પ્રમુખ બનાવવાનો નવો કિમીયો અજમાવ્યો છે. જેથી યુવાનોમાં પેજ પ્રમુખનું આઇ.ડી લગાવી ને ફરવામાં ઉત્સાહ જણાઇ રહ્યો છે. પેજ પ્રમુખ બનાવી ભાજપે બુથ વ્યવસ્થાપન માટે અસરકારક યુક્તિ અજમાવી છે. સામે પક્ષે કોંગ્રેસે પણ ચૂંટણી ના ત્રણ માસ અગાઉ મતદારો સાથેના ફોટા અપલોડ કરવાનું અભિયાન શરૂ કર્યું હતુ. તે કેટલુ કારાગાર નિવેડે છે તે તો ચૂંટણીના પરિણામે જ ખબર પડશે. ભારતમાં રાજકીય પક્ષો માટે સૌથી અઘરૂં કામ હોય તો તે ગામડાના લોકોના મન અને મિજાજને કળવુ છે.
ગત વખતે કોંગ્રેસને પાટીદાર પરિબળે એક્ટ્રા પુશ આપ્યો હતો
ગત વખતે કોંગ્રેસને પાટીદાર પરિબળે એક્ટ્રા પુશ આપ્યો હતો, આ વખતે એવુ કંઇ છે નહિ. કોંગ્રેસ જિલ્લા અને તાલુકા પંચાયતમાં ગત વખતનું પુનરાવર્તન કરવામાં કેટલી સફળ થાય છે તે જોવું રહ્યું. બીજી બાજુ ભાજપના ઉમેદવારો તો ટિકિટ મળી એટલે જીત્યાનો વિશ્વાસ ધરાવે છે. તેમનો આ અતિવિશ્વાસ કેટલો સાચો પડે છે તે પણ ખબર પડી જશે.