અરવલ્લીઃ વાડ જ ચીભડા ગળે તો સુરક્ષા માટે કોની પાસે આશા રાખવી. આવો જ એક કિસ્સો મોડાસા તાલુકની કુડોલ પ્રાથમિક શાળામાં બન્યો છે. ધોરણ 8માં ભણતી શાળાની એક વિદ્યાર્થીનીએ શાળાના મુખ્ય શિક્ષક કિરીટ પટેલ સામે શારીરિક અડપલા કર્યાનો આરોપ લગાવ્યો છે.
શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા વિદ્યાર્થીની દ્વારા સમગ્ર મામલે ઘરે આવી વાલીને વાત કરી, ત્યારે વિદ્યાર્થીનીના પરિવારજનો રોષે ભરાયા હતા, અને તેઓ પ્રાથમિક શાળામાં આવી હોબાળો મચાવ્યો હતો. ગામ લોકો મોટી સંખ્યામાં શાળામાં એકઠા થઈ શિક્ષકને રૂમમાં પુરી મેથી પાક ચખાડ્યો હતો. શિક્ષક દ્વારા આચરવામાં આવેલી આ કલંકિત ઘટના માટે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલા ભરાવામાં આવે તેવી માગ વાલીઓ કરી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા શિક્ષણ સમિતિમાંથી નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ પણ શાળાએ દોડી આવ્યા હતા. જોકે, સમગ્ર ઘટનાને શિક્ષક સંઘના પ્રમુખે વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષક કસુરવાર જણાશે, તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
આ ઘટના અંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ સમગ્ર મામલે આરોપી શિક્ષક, વિદ્યાર્થીનીના વાલી તેમજ ભોગ બનનાર વિદ્યાર્થીનીના નિવેદનો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આરોપી શિક્ષક પોતે બેકસુર હોવાનું જણાવી રહ્યા છે. આરોપી શિક્ષકના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીનીની અન્ય વિદ્યાર્થી દ્વારા જાતીય સતામણી તેમજ ઘાકમાં રાખી શારીરિક લાભ લેતા હોવાથી તેને સમજાવી રહ્યા હતા. હાલ આ ઘટના અરવલ્લીના શિક્ષણ વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે જોવાનુ રહેશે કે, જિલ્લા શિક્ષણ વિભાગની કાર્યવાહીમાં શુ હકીકત બહાર આવે છે.