મોડાસા: સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણને લઇ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. એ સમયગાળા દરમિયાન નાના ભૂલકાઓની ચિંતા કરી આંગણવાડી કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા.
જેના કારણે અનાજમાં બચત થઇ હતી. આ બચત થયેલા અનાજ-તેલના જથ્થાનો ઉપયોગ કરી આંગણવાડી કેન્દ્રના 3થી 6 વર્ષના બાળકોને સાપ્તાહિક સુખડી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અરવલ્લીના 34,922 બાળકોને સુખડીનું વિતરણ કરાયું છે.
અરવલ્લીના 34 હજારથી વધુ ભૂલકાઓને સુખડીનું વિતરણ કરાયું અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસના પ્રભાવને કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારની 1450 આંગણવાડી કેન્દ્રો નાના ભૂલકાઓના આરોગ્યની તકેદારી માટે બંધ કરવામાં આવ્યા હતા. આ સમયે બાળકોને ગરમ નાસ્તાની અવેજીમાં બાલશક્તિ પેકૅટ આપવામાં આવ્યા હતા.
આ સાથે જ બાળકોને પુરક પોષણ જળવાઇ રહે તે માટે પૌષ્ટીક આહાર તરીકે બાળક દિઠ સપ્તાહમાં એક વાર એક કિલોગ્રામ સુખડીનું ઘરે-ઘરે વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
જેમાં મોડાસાના 6119, માલપુરના 3938, ધનસુરાના 3281, બાયડના 6151, ભિલોડાના 7696 અને મેઘરજના 7737 મળી જિલ્લાના કુલ 34,922 ભૂલકાઓને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું છે.