- અરવલ્લીSP સંજય ખરાતે દારૂકાંડના પગલે એલસીબી શાખા વિખેરી નાખી
- 12 કર્મચારીઓને હેડક્વાટર ખાતે અને 2 પોલીસકર્મીઓની એમટી વિભાગમાં બદલી કરાઈ
- બુટલેગરો સાથેની ભાઇબંધી મોંધી પડી શકે છે
અરવલ્લી: પોલીસ તંત્ર અને નાગરીકોમાં ખળભળાટ મચાવનારા એલસીબી દારૂકાંડના પડઘા હવે ધીરે ધીરે પડી રહ્યાં છે. અરવલ્લી પોલીસવડા સંજય ખરાતે જિલ્લા પોલીસતંત્રમાં મહત્વનો નિર્ણય લઇને એલસીબી શાખામાં રહેલા સડાને જડ મુડથી દુર કરવાનો નિર્ણય લીધો છે. ડીએસપીએ આદેશ કરીને જિલ્લા એલસીબીને વિખેરી નાખી અને એલસીબી શાખામાં ફરજ બજાવતા 12 કર્મચારીઓને હેડક્વાટર ખાતે અને 2 પોલીસકર્મીઓની એમટી વિભાગમાં બદલી કરી દીધી હતી. આ નિર્ણયથી હળબળી ગયેલા અરવલ્લી જિલ્લા પોલીસ બેડામાં પોલીસવડાએ કર્મચારીઓને એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે બુટલેગરો સાથેની ભાઇબંધી મોંધી પડી શકે છે.
શું છે એલસીબી દારૂકાંડ ?
ગત 19.02.2021ના રોજ બે પોલીસ કર્મીઓ અને એક વચોટીયો પક્ડાયો હતો. દારૂની ટ્રકમાંથી સવા લાખનો દારૂ, કાઢી પોતાની એસેન્ટ કારમાં બારોબારૂયુ કરવા જતા હતા, ત્યારે એક જાગૃત નાગરીકને પીછો કરતા જોઇને હળબળી ગયેલા પોલીસ કર્મીએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમવાતા ગાડીએ પલ્ટી ખાધી હતી, ત્યાર બાદ પોલીસ કર્મીઓ નાસી છુટ્યા હતા. જોકે થોડા કલાકો બાદ બન્ને આરોપી પોલીસ કર્મીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. આરોપી પોલીસ કર્મીઓના ઝડપાયા બાદ દારૂકાંડના મુખ્ય સુત્રધાર પર ગાળીયો કસાયો હતો. એલસીબી ઓફીસમાં જ સંતાડેલી દારૂની સાત જેટલી પેટીઓ મળી આવતા સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ ટાઉન પોલીસને તપાસ સોંપીને એલસીબી- પીઆઇ આર. કે. પરમાર અને ત્રણ પોલીસ કર્મીઓ સામે આ અંગે ગુનો નોંધીને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.