- મોડાસાના ગોડાઉનમાંથી ચણા અને એરંડાનો 700 કટ્ટાનો જથ્થો ગાયબ
- પોલીસ સ્ટેશનમાં 21.66 લાખથી વધુની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી
- ચોરી મામલે, પોલીસે 6 આરોપીઓની ઘરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
અરવલ્લી: મોડાસા તાલુકાના ગણેશપુર વિસ્તારમાં આવેલી GIDCના એક ગોડાઉનમાંથી રૂપિયા 21.66 લાખથી વધુના ચણા અને એરંડાનો જથ્થો ગાયબ થતા ચકચાર મચી હતી. આ અંગે, ગોડાઉનના માલિકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બાદ, તપાસમાં બહાર આવ્યુ હતું કે, ગોડાઉનના બાજુમાં ઘઉંની મીલ ધરાવતો પવન અમુલ મહેશ્વરી અને તેના મળતિયાઓએ આ કારસ્તાનને અંજામ આપ્યો છે. આ મામલે, પોલીસે 6 આરોપીઓની ઘરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:અરવલ્લી પોલીસે અર્બુદા ક્રેડિટ સોસાયટી કૌભાંડમાં સંડોવાયેલા રાજસ્થાનના ઠગને ઝડપ્યો
ઘઉંની મીલના માલિકનો પુત્ર ચોર નિકળ્યો
મોડાસાની GIDCમાં આવેલા રામદેવ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં માર્કેટ યાર્ડના વેપારી સિરાજઉદ્દીન અબ્દુલરહેમાન પટેલે ચણા અને એરંડાનો 700 કટ્ટાનો સ્ટોક કર્યો હતો. જોકે, આ માલ પર ગોડાઉનની બાજુમાં આવેલા ઘઉંની મીલના માલિક પવન મહેશ્વરીને નજર હતી. કેટલાક દિવસ અગાઉ રાત્રીના સમયે પવન મહેશ્વરી અને તેની મીલમાં કામ કરતા માણસોએ રામદેવ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનના પતરા ડ્રિલ મશીનથી ખોલી ચણા અને એરંડાની ચોરી કરી પતરા પાછા ફિટ કરી દીધા હતા. આ ઘટના બાદ, શરૂઆતમાં ગોડાઉનના માલિકને ખબર ન પડી પરંતુ, સ્ટોક મેળવણી કરતી વખતે 700 બોરી ઓછી હોવાની જાણ થતા ચોંકી ઉઠાયા હતા.