- વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનાં સૌજન્યથી યોજાયો હતો સેમિનાર
- ગણિત અને વિજ્ઞાનનાં વિષયો મોટાભાગનાં વિદ્યાર્થીઓને અઘરા લાગતા હોય છે
- સેમિનારમાં ભાગ લેનાર 50 શિક્ષકોએ પોતાની શાળાનાં અન્ય શિક્ષકોને ટ્રેનીંગ આપશે
અરવલ્લી: ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરીત અને મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત અરવલ્લી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષયોનાં શિક્ષકોની એક્ટીવીટી બેઝ્ડ લર્નિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી શાળાનાં શિક્ષકોને ગણિત અને વિજ્ઞાન વિષયોમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રસ કેવી રીતે કેળવવો તે અંગેની માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાન વિષયોમાં રસ વધારવા 'પ્રવૃતિ આધારિત ભણતર' વિષય પર સેમિનાર યોજાયો વિવિધ પ્રયોગો થકી શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી સામન્ય રીતે ગણિત અને વિજ્ઞાનનાં વિષયો મોટાભાગનાં વિદ્યાર્થીઓને અઘરા લાગતા હોય છે અથવા તો તેમાં રસ કેળવી શકતા નથી. જેનું મુખ્ય કારણ પ્રવૃતિ વિનાનું ભણતર હોઇ શકે છે. વિદ્યાર્થીઓમાં આ સમસ્યાનું નિવારણ લાવવા માટે અમદાવાદ સ્થિત વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનાં સૌજન્યથી અરવલ્લી જિલ્લાનાં મોડાસા કોલેજ કેમ્પસ ખાતે સરકારી શાળાઓના શિક્ષકો માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકોને ક્રિયાત્મક પ્રયોગ થકી ભણતરને કેવી રીતે રસપ્રદ બનાવવું તે અંગે પ્રેક્ટીકલ ટ્રેનીંગ આપવામાં આવી હતી. આ સેમીનારમાં વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા હતા. સેમીનારમાં ભાગ લઇ રહેલા શિક્ષકોને પ્રશિક્ષણ આપી વિજ્ઞાન અને ગણિતનાં વિષયોમાં ગમ્મત સાથે જ્ઞાન કેવી રીતે પીરસી શકાય તેની સમજણ આપી હતી. બે દિવસ ચાલનારા આ સેમિનારમાં જિલ્લાનાં 50 શિક્ષકોએ ભાગ લીધો હતો. જેઓ પોતાની શાળામાં જઇ અન્ય શિક્ષકોને પણ આ અંગેની ટ્રેનીંગ આપશે.