- દલિત સમાજના યુવકે સાફો પહેરતા સરપંચ અને તેના પુત્રે વાંધો ઊઠાવ્યો
- લોકોની સુરક્ષા અને લોકો સાથે અન્યાય નહીં થાય તેવા દાવો પોકળ સાબિત થયો
- સમગ્ર મામલાના શાંત કરવા વચ્ચે પડેલા વ્યક્તિને પણ માર મરાયો
મોડાસાઃ જિલ્લાના મોડાસા તાલુકાના નાંદીસણ ગામે સોમવારે રાત્રે સોમા પરમારની દીકરીનો લગ્નપ્રસંગ હતો, જેના વરઘોડામાં યુવતીના ભાઈ ધવલ પરમારે રજવાડી સાફો પહેર્યો હતો. વરઘોડો ગામની અંદર ચોકમાં પહોંચતા રાસ-ગરબાની રમઝટ ચાલી રહી હતી. આ દરમિયાન ગામના મહિલા સરપંચનો પુત્ર ધર્મરાજસિંહ જયેન્દ્રસિંહ ચૌહાણ ત્યાં આવી પહોંચ્યો હતો. ધર્મરાજસિંહે ધવલ પરમારને જાતિ વિષયક શબ્દો બોલી તારા માથા પર સાફો શોભતો નથી, મને આપી દે તેમ કહેતા વાતવારણ તંગ બન્યું હતું. લગ્નપ્રસંગમાં આવેલા મેઢાસણ ગામના ગિરીશભાઈ રામાભાઈ પરમાર સમજાવવા જતા તેમની સાથે મારામારી કરી હતી. આ ઝઘડો ચાલી રહ્યો હતો ત્યાં વળી ધર્મરાજસિંહના પિતા જયેન્દ્રસિંહ વરઘોડાને અટકાવવા કાર આડી મૂકી દીધી હતી. વરઘોડો અટકતા ભારે હોબાળો મચી ગયો હતો.