રવિવારે મોડી રાત્રે બાયડમાં નંદનવન શોપિંગ સેન્ટરના ATMને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું. તસ્કરો 32 લાખ રોકડ રકમ ભરેલુ આખુ કેશબોક્ષ ઉઠાવી ગયા હતાં. આ ઘટનામાં પોલીસ કોઈક કડી સુધી પહોંચી શકે એ પહેલા લૂંટની ઘટના સર્જાય હતી. સોમવારે સાંજે બાયડના શ્રીજી દાદા કોમ્પલેક્ષની સામે આવેલી જે.કે આંગડિયા પેઢીમાં માત્ર એક જ લુંટારુએ લૂંટ ચલાવી હતી.
બાયડમાં અસમાજીક તત્વોને મોકળુ મેદાન, ધોળા દિવસે 3.50 લાખની લૂંટ
અરવલ્લીઃ બાયડમાં અસામાજિક તત્વોને મોકળુ મેદાન મળ્યુ છે. સોમવારે લૂંટની ઉપરાછાપરી બે ઘટનાઓ બની હતી. ATMમાંથી 32 લાખની ચોરી કરી ગયા હતાં. પોલીસ ચોરીની ઘટનાની કોઈ કડી મેળવી શકે એ પહેલા જ લૂંટની ઘટના બની હતી. જો કે, આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી લૂંટારુ સાડા ત્રણ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે આ ઘટનાની તપાસ શરુ કરી છે.
પેઢીની ઑફીસમાં ઘુસી ગયેલા ઈસમે સોમાભાઈ પટેલ નામના કર્મચારી પર હુમલો કર્યો હતો. તેણે સોમાભાઈને બોથડ પદાર્થ મારી અંદાજીત સાડા ત્રણ લાખ રોકડા રુપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. લૂંટારુના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયેલા કર્મચારીએ બુમાબુમ કરી હતી. જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતાં. ઈજાગ્રસ્ત સોમાભાઈને વાત્રક હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમની હાલત વધારે ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
બાયડમાં જાણે પોલીસનો ખૌફ જ ન હોય તેમ ધોળા દિવસે ચોરી-લૂંટ જેવી ઘટનાઓ બની રહી છે. જેના કારણે લોકોમાં તેમજ ખાસ કરીને વ્યાપારીઓમાં ડર પેદા થયો છે. પોલીસે પેટ્રોલીંગ વધુ સઘન કરી ગુનાઓ પર અંકુશ લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. તેવી લાગણી અને માગણી પ્રવર્તી રહી છે.