અરવલ્લી : લૉકડાઉન વચ્ચે પણ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં તસ્કરોએ કરિયાણાની દુકાનના તાળા તોડ્યા હતા. દુકાનમાંથી માત્રને માત્ર ખાદ્યચીજોની જ ચોરી કરી હતી. ચોરીને પગલે દુકાનદારે માલપુર પોલીસને જાણ કરી હતી.
લોકડાઉન વચ્ચે અરવલ્લીના માલપુરમાં દુકાનના તાળા તૂટ્યા - અરવલ્લી માલપુર તાલુકા
સમગ્ર દેશમાં લોકબંધી છે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ સતત પેટ્રોલીંગ કરી લોકોને ઘરની અંદર રાખવા અથાગ પરિશ્રમ કરી રહી છે, ત્યારે ચોર માટે કોઇ લૉકડાઉન ન હોય તેવું લાગી રહ્યું છે.

અરવલ્લીમાં તાળાબંધીમાં તૂટ્યા તાળા
આ અંગે મળતી વિગતો અનુસાર માલપુર તાલુકાના અણિયોર અને સાતરડા ગામે કરિયાણાની દુકાનમાં ગત રાત્રીએ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. તસ્કરો દુકાનમાંથી રોકડ રકમ બદલે માત્ર ખાદ્ય વસ્તુઓ ઉઠાવી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, લૉકડાઉનના કારણે ગામડાની મજૂરી કરતી પ્રજા હાલ બેકાર થઇ ગઇ છે, અને લોકોને ખાવાના ફાંફા છે. સામાજિક સંસ્થાઓ રાશનની કિટ પહોંચાડી રહી છે, પરંતુ વસ્તી પ્રમાણે આ સહાય ઓછી હોય તેમ લાગી રહ્યું છે. આવનાર દિવસોમાં આવી ઘટનાઓ વધુ બનશે તેવી આશંકાઓ સેવાઇ રહી છે.